નસવાડી તાલુકાનો સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ છોટાઉદેપુરના ડેપ્યુટી કલેક્ટર મુસ્કાન ડાંગરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. બેઠકમાં ૧૦માંથી ૮ પ્રશ્નોનો નિકાલ થયો હતો. જ્યારે બે પ્રશ્નોમાં લેખિત જવાબ માંગવામાં આવતાં તે બાકી રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કંડવા ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે મૂકાયેલા વીજ પોલ હટાવવાની ફરિયાદ કરી હતી. ખેડૂતના જણાવ્યા મુજબ મધ્ય ગુજરાત વીજ કંપનીએ તેની જમીનમાં પૂછ્યા વગર પોલ મૂક્યા હતા. બાદમાં પોલ હટાવવા માટે કંપનીએ રૂ.૫૩ હજારનો એસ્ટિમેટ આપ્યો હોવાનું પણ તેણે રજૂ કર્યું હતું.
ડેપ્યુટી કલેક્ટર મુસ્કાન ડાંગરે કંપનીને પૂછ્યું કે પોલ મૂકતા પહેલાં ખેડૂતની સંમતિ લેવામાં આવી હતી કે નહીં. કંપની તરફથી સ્પષ્ટ જવાબ ન મળતાં સંમતિના આધાર પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. ખેડૂતે જણાવ્યું કે, આટલી રકમ ભરવી શક્ય નથી. આગામી તાલુકા સ્વાગત કાર્યક્રમ પહેલાં આ મુદ્દાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરાઇ હતી.
નમેલા વીજપોલ અને વીજ વાયરો ઉંચા કરવાના સૌથી વધુ પ્રશ્નો તાલુકા સ્વાગતમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજપોલ નમી ગયા હોઇ વીજ વાયરો ઉંચા કરવાના પ્રશ્નો વધ્યા છે. આ બાબતે ખેડૂતોને પૂછતાં જીઈબી કચેરીમાં કોઈ કંઈ સાંભળતું નથી. તેવી વાત બહાર આવી હતી.
બોડેલી મધ્ય ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર નસવાડી એમજીવીસીએલના ઇજનેરોની કામગીરી બાબતે ધ્યાન આપે તે જરી બન્યું છે. સ્વાગતમાં પ્રશ્નો આવવાના કારણમાં વીજ ગ્રાહકોના પ્રશ્નો તરફ ધ્યાન નહીં અપાતું હોવાની વાત બહાર આવી છે.