ગોલાગામડી ચોકડી પર એસ.ટી. બસ માંથી ૧૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

સંખેડાના ગોલાગામડી ચોકડી પાસેથી પસાર થઈ રહેલી એક જઝ બસ માંથી પોલીસે રૂ.૧૫,૦૮૦નો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ મામલે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.બહાદરપુર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, છોટાઉદેપુર-વડોદરા રૂટનીGJ-18-JT-3531નંબરની STબસને ગોલાગામડી ચોકડી પાસે રોકવામાં આવી હતી. પોલીસે બસની સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, બસમાં પાછળની સીટ પર બેઠેલા અલીરાજપુરના ૧૮ વર્ષીય કાંતિભાઈ દલસિંહભાઈ તોમર પાસેથી બે સ્કૂલ બેગ મળી આવી હતી. આ બેગ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ મિલીની ૩૦ બોટલ અને કિંગફિશર બીયરના ૧૨ ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને બીયર ઉપરાંત એક વીવો મોબાઈલ પણ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.૧૫,૦૮૦ આંકવામાં આવી છે. આરોપી કાંતિભાઈ તોમર વિરૂદ્ધ બહાદરપુર પોલીસે પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫-એ.એ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂકરી છે.