સરધાર જમીન વિવાદ મામલે સ્વામિનારાયણ મંદિરના ૩ સંતો સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ

રાજકોટના સરધાર ગામે વર્ષ ૨૦૨૧ના રોજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં બિપીનભાઈ મકવાણાના કબજાની જમીનમાં તોડફોડ કરવા બાબતે સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતો સામે એફઆઇઆર નોંધવા કોર્ટે આદેશ આપ્યો છે. નિત્યસ્વરૂપદાસજી સહિત ૩ સંતો સામે આજીડેમ પોલીસને સાત દિવસમાં ગુનો નોંધી અહેવાલ રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

સરધાર ગામે ૩ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં બિપીનભાઈ મકવાણાના કબજાની જમીનમાં તોડફોડ કરવામાં આવી હતી. ૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આજીડેમ પોલીસને લેખિત ફરિયાદ કરવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નહોતી. સમગ્ર મામલે ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ બિપિન મકવાણા રાજકોટની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં સ્વામિનારાયણ સંતો અને તેમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.

સરધાર મંદિર નજીક આવેલ બિપિન મકવાણા નામના વ્યક્તિના કબજાની ખાનગી જગ્યામાં ૩ ડિસેમ્બર ૨૦૨૧ની રાત્રે સરધાર સ્વામિનારાયણ મંદિરના સંતોએ તોડફોડ કરી હતી. બાલમુકુંદ, પતિત પાવન, નિત્યસ્વરૂપ સ્વામી પર ટોળાની ઉશ્કેરણી કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જેસીબી, રોટાવેટર, ટ્રેક્ટરથી બિપીન મકવાણાના બગીચામાં ફુલ-છોડ, ઝાડને રૂ.૩૦ લાખનું નુક્સાન પહોંચાડ્યું હતું.

આ ઘટના બાદ ૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આજીડેમ પોલીસને લેખિત ફરિયાદ આપી હોવા છતાં પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો બિપીન મકવાણાએ આરોપ લગાવ્યો હતો. જે બાદ આ પરિવારે ન્યાય માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સમગ્ર મામલે ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ બિપીન મકવાણા રાજકોટની સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં સ્વામિનારાયણ સંતો અને તેમના માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી કરી હતી.

કોર્ટે આજીડેમ પોલીસને ગુનો નોંધી તપાસ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે દ્વારા નિત્યસ્વરૂપદાસજી સહિત ૩ સંતો સામે આજીડેમ પોલીસને સાત દિવસમાં ગુનો નોંધી અહેવાલ રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. એટ્રોસીટી, બગીચામાં તોડફોડ, રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવા આદેશ કરાયો છે.