વધુ એક નકલી પીએમઓ ઓફિસર ઝડપાયો, પારૂલ યુનિવર્સિટીના સંચાલકો પર રૌફ જમાવતો હતો

વડોદરા, છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં પીએમઓના નામે ઓળખ બતાવી લોકો સાથે ઠગાઇ થવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે વધુ એક નકલી પીએમઓ ઓફિસર સકંજામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસે નકલી પીએમઓ ઓફિસરની ધરપકડ કરી છે. મયંક તિવારી પીએમઓના ડાયરેકટર તરીકે ઓળખાણ આપી ડંફાસ મારતો ઝડપાયો છે.

ઘટના કંઈક એવી છે કે વડોદરામાં આવેલી પારૂલ યુનિવર્સિટીના સંચાલકોને મયંક તિવારી નામનો વ્યક્તિ પીએમઓ ઓફિસના ડાયરેકટર તરીકે ઓળખ આપતો હતો અને શિક્ષણ ક્ષેત્રે રીસર્ચના પ્રોજેકટ માટે સરકારમાંથી મંજૂરી લાવી આપવાની વાત કહી પૈસા પડાવતો હતો. જો કે અગાઉ ઝડપાયેલા નકલી પીએમઓ ઓફિસર કિરણ પટેલ ઝડપાવાની ઘટના બાદ યુનિવર્સિટીના સંચાલકોને આ બાબતે શંકા ગઈ હતી. જેથી નકલી પીએમઓ ઓફિસર મયંક તિવારી વિશે પોલીસ સહિત ઉચ્ચસ્તરે જાણ કરાઈ હતી. લાંબા સમયથી મયંક તિવારી પોલીસ અને સેન્ટ્રલ એજન્સીના રડારમાં હતો. જે પછી અંતે તેને ઝડપી લેવામાં આવ્યો છે.