
- બાળકની માતાએ ફોટો બદલવાની ઘણી કોશિશ કરી પરંતુ તેમને કહેવામાં આવ્યું કે આધાર કાર્ડ પાંચ વર્ષ પછી જ અપડેટ થઈ શકશે.
મુંબઇ, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તાર ચિમુરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ સાંભળીને દરેકને આશ્ર્ચર્ય થાય છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ફોટો સાત વર્ષના બાળકના આધાર કાર્ડ પર ચોંટાડવાનો મામલો સામે આવ્યો છે. બાળકની માતાએ સાત વર્ષ પહેલા આ આધાર કાર્ડ બનાવ્યું હતું. તેનાથી પણ વધુ આશ્ર્ચર્યની વાત એ છે કે આ આધાર કાર્ડ પર બાળકને શાળામાં પ્રવેશ પણ મળી ગયો છે. ચિમુર તાલુકાની એક મહિલાએ સાત વર્ષ પહેલા તેના પુત્રનું આધાર કાર્ડ મેળવ્યું હતું. જો કે આધાર કાર્ડ પર બાળકના ફોટાને બદલે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના નાયબ મુખ્યમંત્રીનો ફોટો મુકવામાં આવ્યો હતો. આ પછી મહિલાએ પણ આધાર કાર્ડ સેન્ટર પર જઈને ફોટો બદલવા માંગ્યો હતો. જો કે અનેક વખત ફરવા છતાં ફોટો બદલાયો ન હતો.
વિરવાહના રહેવાસી આ બાળકનો જન્મ ૨૦૧૫માં ચિમુર તાલુકાના શંકરપુરમાં થયો હતો. શંકરપુરમાં આધારકાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેનું આધાર કાર્ડ બનાવવામાં આવ્યું હતું. થોડા દિવસો પછી જ્યારે આધાર કાર્ડ ઘરે પહોંચ્યું તો બધાને આશ્ર્ચર્ય થયું. તેના પર બાળકના ફોટાને બદલે નાયબ મુખ્યમંત્રીનો ફોટો ચોંટાડવામાં આવ્યો હતો.
બાળકની માતાએ ફોટો બદલવાની ઘણી કોશિશ કરી પરંતુ તેમને કહેવામાં આવ્યું કે આધાર કાર્ડ પાંચ વર્ષ પછી જ અપડેટ થઈ શકશે. તેથી જ મહિલા ચક્કર લગાવીને થાકી ગઈ અને ચૂપચાપ બેસી ગઈ. આ પછી મહિલાએ ફરી એકવાર આધાર કાર્ડ અપડેટ કરાવવાનો પ્રયાસ શરૂ કર્યો. આ માટે શંકરપુર ગ્રામ પંચાયતમાં બાળકના જન્મના પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. મામલો ચોંકાવનારો હતો એટલે સ્વાભાવિક રીતે જ તેની ચર્ચા થવા લાગી. આ પછી ચિમુરમાં મામલતદારે વહેલી તકે ફોટો બદલવાનો આદેશ આપ્યો. પછી શું હતું, તરત જ આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. પણ સાત વર્ષ લાગ્યા. આ અંગે શંકરપુરના પટવારી શંકર ગુજેવાર કહે છે કે બાળકના આધાર કાર્ડ પર નાયબ મુખ્યમંત્રીનો ફોટો ચોંટાડવામાં આવ્યો હતો. તહસીલદારના આદેશથી આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યું છે.