નવીદિલ્હી : ગૃહમંત્રી અમિત શાહે મણિપુર અંગે બોલાવેલી સર્વપક્ષીય બેઠક માટે ઘણું મોડું થઈ ચૂક્યું હોવાનો મત કોંગ્રેસે વ્યક્ત કર્યો છે. વિરોધ પક્ષે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં આવી બેઠક યોજવાનો કોઈ અર્થ નથી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, ’શાંતિ માટેનો કોઇ પણ પ્રયાસ મણિપુરમાં થવો જોઇએ.
જ્યાં પરસ્પર લડી રહેલા વિવિધ સમુદાયો વચ્ચે વાટાઘાટ કરાવવી જરૂરી છે. દિલ્હીમાં આવી કવાયતનો કોઈ અર્થ નથી.’ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓએ દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવવાના નિર્ણયની ટીકા કરી હતી. અમિત શાહે ૨૪ જૂને બોલાવેલી બેઠકમાં કોંગ્રેસ હાજરી આપશે કે નહીં એ બાબતે પક્ષે તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી.
કોંગ્રેસે મણિપુરની સ્થિતિ અંગે વડાપ્રધાનની નિષ્ક્રિયતા અને મૌનની ટીકા કરી હતી. મે મહિનાથી શરૂ થયેલી મણિપુરની હિંસામાં લગભગ ૧૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ’વડાપ્રધાન મોદી માટે સર્વપક્ષીય બેઠક મહત્વની નથી. મણિપુર ૫૦ દિવસથી સળગી રહ્યું છે, પણ વડાપ્રધાન મૌન રહ્યા છે. વડાપ્રધાન દેશમાં નથી ત્યારે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ છે, આ બેઠક વડાપ્રધાન માટે મહત્વની નથી.’ કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે, ’સમગ્ર દેશ આ મુદ્દે કેન્દ્ર સરકારનો ગંભીર હસ્તક્ષેપ ઇચ્છે છે.
મણિપુરમાં હિંસાનો દોર યથાવત્ છે ત્યારે ગુરુવારે સવારે પાંચ વાગ્યે અજાણી વ્યક્તિએ કરેલા ગોળીબારમાં બે જવાનને ઇજા થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને પ્રારંભિક તપાસમાં આઇએનએસએએસ લાઇટ મશિન ગન મળી હતી. સ્થિતિ નિયંત્રણમાં છે અને ગોળીબાર કરનાર વ્યક્તિની શોધ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ’જવાનોને સાધારણ ઇજા થઈ હતી. વધુ સુરક્ષા દળોનો બંદોબસ્ત કરાયો છે.’ ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી હિંસાને નિયંત્રિત કરવાના પ્રયાસો હજુ સફળ થયા નથી.