નવા મુખ્ય પસંદગીકાર બાબતે કોઇ વાત થઇ નથી : વીરેન્દ્ર સેહવાગ

નવીદિલ્હી,હાલમાં ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં એક પદ ખાલી છે. આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનું નામ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં જોવા મળી રહ્યું છે. અહેવાલો સામે આવી રહ્યા હતા કે સેહવાગને બીસીસીઆઈ દ્વારા મુખ્ય પસંદગીકાર તરીકેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હવે સેહવાગે પોતાના નિવેદન સાથે આ તમામ સમાચારો પર પૂર્ણવિરામ મુકી દીધું છે.

ચેતન શર્માએ ફેબ્રુઆરી ૨૦૨૩માં મુખ્ય પસંદગીકારના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ભારતીય ટીમની પસંદગી સમિતિમાં જગ્યા ખાલી છે. હવે બીસીસીઆઇએ આ પોસ્ટ ભરવા માટે અરજીઓ મંગાવવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન સેહવાગે નિવેદનમાં મુખ્ય પસંદગીકાર બનવાના પ્રશ્ર્ન પર આ પદ માટે અરજી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. સેહવાગે તાજેતરના અહેવાલોને નકારી કાઢ્યા છે કે તેને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મુખ્ય પસંદગીકારના પદ માટે કોઈ ઓફર કરવામાં આવી નથી.

ચીફ સિલેક્ટર પદ પરથી ચેતન શર્માના રાજીનામા બાદ પૂર્વ ભારતીય ખેલાડી શિવ સુંદર દાસ વચગાળામાં આ પદ સંભાળી રહ્યા છે. દાસ ઉપરાંત પસંદગી સમિતિના અન્ય સભ્યોમાં એસ સરથ, સુબ્રતો બેનર્જી અને સલિલ અંકોલા છે.

પસંદગીકાર બનવા માટે બીસીસીઆઇ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ પદ માટે અરજી કરનાર અરજદારે ઓછામાં ઓછી ૩૦ ફર્સ્ટ ક્લાસ મેચ અથવા ૭ ટેસ્ટ મેચ અથવા ૧૦ વનડે રમી હોવી જોઈએ. આ ઉપરાંત, તે વ્યક્તિએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિના ૫ વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ.