વોશિંગ્ટન, : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી થયેલા નુક્સાનનો ઉલ્લેખ કર્યો હતો અને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આતંકવાદને વિશ્ર્વ માટે ખતરો ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે અમેરિકામાં ૯/૧૧ના હુમલા બાદ ૨૬/૧૧ના મુંબઈ હુમલાના એક દાયકાથી વધુ સમય બાદ પણ આતંકવાદ અને કટ્ટરપંથી વિશ્ર્વ માટે ખતરો છે. પીએમ મોદીના ઐતિહાસિક સંબોધન દરમિયાન અમેરિકી સંસદમાં જોરથી તાળીઓનો ગડગડાટ થયો હતો.
જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમના સંબોધન દરમિયાન, યુએસ સાંસદોએ ઓછામાં ઓછા ૧૫ વખત ઊભા થઈને તાળીઓ વગાડી હતી. આટલું જ નહીં, કુલ ૭૯ વખત તાળીઓ વાગી. યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં જ્યારે પીએમ મોદીએ પોતાનું ભાષણ પૂરું કર્યું ત્યારે પણ સાંસદો તેમનું સ્વાગત કરવા ઊભા થયા અને તાળીઓ પાડી.
સંયુક્ત સત્રને સંબોધન દરમિયાન યુએસ કોંગ્રેસના કેટલાક સભ્યો વડા પ્રધાન મોદીને મળ્યા હતા. તેની સાથે ઓટોગ્રાફ અને સેલ્ફી પણ લીધી હતી. ત્યારબાદ તેમના સંબોધન બાદ પીએમ મોદીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર કેવિન મેકકાર્થીની સંયુક્ત સત્રની એડ્રેસ બુક પર હસ્તાક્ષર કર્યા.
પીએમ મોદીએ તેમના લગભગ એક કલાકના ભાષણ દરમિયાન કહ્યું કે અમેરિકામાં લોકશાહી વિશ્ર્વમાં સૌથી જૂની છે, જ્યારે ભારત વિશ્ર્વનું સૌથી મોટું લોક્તંત્ર છે, તેથી બંને દેશોની આ ભાગીદારી લોકશાહીના ભવિષ્ય માટે ઘણી સારી છે. પોતાના સંબોધન દરમિયાન પીએમએ પાકિસ્તાનનું નામ લીધા વિના પણ આતંકવાદ માટે આકરા પ્રહારો કર્યા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને નકારી કાઢતા પીએમ મોદીએ કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી પરંતુ વાતચીત અને પરસ્પર કૂટનીતિનો યુગ છે. રક્તપાત અને માનવીય વેદના બંધ કરવી જરૂરી છે અને આ માટે તમામ પ્રયાસો કરવા જોઈએ.અમેરિકન કોંગ્રેસના સભ્ય રો ખન્નાએ કહ્યું કે સંયુક્ત સત્રમાં પીએમ મોદીના સંબોધન પછી પીએમ મોદીએ શાનદાર ભાષણ આપ્યું. તેઓએ યુએસની આર્થિક , સંરક્ષણ અને ટેક્નોલોજી ભાગીદારીની પુન: પુષ્ટિ કરી. અન્ય યુએસ કોંગ્રેસના સભ્ય ડેન મ્યુઝરે કહ્યું, “હું પીએમ મોદીના ભાષણથી ખૂબ પ્રભાવિત થયો હતો. તેમનું ભાષણ પ્રોત્સાહક હતું.
પીએમ મોદી હાલમાં અમેરિકામાં છે અને રાષ્ટ્રપતિ જો બાયડેન અને દેશની પ્રથમ મહિલા જીલ બાયડેનના આમંત્રણ પર ગયા છે.PM ૨૧ થી ૨૪ જૂન સુધી અમેરિકાની સરકારી મુલાકાતે ગયા છે.