લુણાવાડા, રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્યની સુખાકારી માટે વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવેલ સુચના અન્વયે મહીસાગર જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આ ઘનિષ્ઠ સર્વેલન્સ દરમિયાન મેલેરીયાનો એકપણ કેસ મળી આવ્યો નથી. ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે પ્રથમ રાઉન્ડનો હાઉસ ટુ હાઉસ સરવે ગત તા.19 જુન થી તા.28 જુન 23 સુધી હાથ ધરવામાં આવશે. જેમાં જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તા. 22 જૂન સુધી 77 હજાર 034 ઘરના સર્વેલન્સ પૈકી તાવના 3 હજાર 909 કેસ મળી આવ્યા હતા. જેના નિદાન પૈકી મેલેરીયાનો એકપણ કેસ જણાયો નથી.
આ સમયગાળા દરમિયાન મચ્છર ઉત્પતિના 2.60 લાખ થી વધુ સ્થાનોની તપાસણી હાથ ધરવામાં આવી. જેમાં 724 જગ્યાએ મચ્છરના પોરા જોવા મળ્યા હતા. મચ્છરના પોરાઓનો દવાથી અથવા પાત્રો ખાલી કરાવી નાશ કરવામાં આવ્યો હતો. વાહકજન્ય રોગો અટકાવવા જનજાગૃતિ કેળવાય તે માટે આરોગ્યકર્મીઓ દ્વારા ઘર ની આજુબાજુ, ધાબા પર પાણીનો ભરવો ન થાય, પાણીના પાત્રો ઢાંકી ને રાખવા, ટાંકા-ટાંકીઓ જેવા પાણી ભરેલ પાત્રો દર અઠવાડીએ નિયમિત સાફ રાખવા, આખી બાયના કપડા પહેરવા, મચ્છર અગરબતી નો ઉપયોગ કરવો અને શાળા તથા આંગણવાડીઓમાં પોરા નિદર્શન સહિતનું આરોગ્ય શિક્ષણ આપી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર.પટેલના માર્ગદર્શન અને જરૂરી સુચના અન્વયે જીલ્લા મેલેરીયા અધિકારી ડો.અલ્પેશભાઈ ચૌધરી તથા જીલ્લા મેલેરિયા ટીમ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની મુલાકાત લઇ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી, દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આગામી તા. 10 જુલાઈ થી તા.19 જુલાઈ દરમ્યાન ઝુંબેશરૂપે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે. સઘન સર્વેલન્સલ દરમ્યાન તાવના કેસોની શોધખોળ, મચ્છર ઉત્પતિ સ્થાનો તપાસી, નિકાલ કરી, ટેમીફોસ દવાથી મચ્છરોનાં બ્રીડીંગનો નાશ તથા આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ કરવામાં આવશે.