શહેરા,શહેરા તાલુકાના નવીવાડી ગામે ખેતરના પાળા ઊપર આવેલા નીલગીરીના ઝાડો બાબતે બોલાચાલી થતાં ત્રણ ઈસમોએ બે મહિલા સહિત ખેડૂતને ધારીયું, લાકડી તેમજ દંડા વડે માર મારતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે પોલીસ મથક ખાતે ખેડૂતના પુત્ર એ ત્રણ વ્યક્તિઓ સામે ફરીયાદ નોધાઇ હતી.
પ્રાપ્ત વિગતોનુસાર શહેરા તાલુકાના નવીવાડી ગામના મંદિર ફળિયામાં રહેતા ખેડુત ભરતભાઈ માછી તેમની પત્ની કુસુમબેન તેમજ તેઓના ભાભી રમીલાબેન અને અન્ય માણસો સાથે ખેતરમાં બાજરી કાપવા ગયા હતા. તે સમય દરમિયાન તેઓના ઘર નજીક રહેતા પરેશ અશોકભાઈ માછી, દિલીપ ઉર્ફે ભયો ગુલાબસિંહ ઠાકોર તેમજ અશોક મંગળભાઈ માછી ખેતરમાં આવી કહેવા લાગેલા કે પાળા ઉપર નીલગીરી છે તે અમારી છે અમો તેને કાપી લઈશું એમાં તું પોલીસ સ્ટેશનમાં અરજીઓ ના કરીશ તેમ કહેતા ભરતભાઈ માછીએ આ નીલગીરીના ઝાડ મારા છે, હું તમને કાપવા નહીં દઉં તેમ કહેતા પરેશ માછી સહિતના ત્રણેય ઈસમોએ ઉશ્કેરાઈ જઈ માં બહેન સમાણી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા પરેશ માછીએ ધારિયું લઈ દોડી આવી ભરતભાઈને કપાળના ભાગે મારી દેતા તેઓને ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેઓની પત્ની કુસુમબેન અને ભાભી રમીલાબેન વચ્ચે છોડાવવા પડતા દિલીપ ઠાકોર અને અશોક માછીએ બંને મહિલાઓને પગ, બરડા તેમજ હાથના ભાગે લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આ બનાવમાં ભરતભાઈને ધારીયું વાગતા તેઓ જમીન પર પડી જવા છતાં પણ પરેશ માછીએ લાકડીનો ડંડો બંને હાથમાં મારતા ભરતભાઈને હાથમાં પણ ઈજા પહોંચી હતી, તો બીજી તરફ મારામારીના બનાવને લઈને બૂમાબૂમ થતાં ફળિયાના રહીશો દોડી આવતા પરેશ માછી, અશોક માછી અને દિલીપ ઠાકોર આ ત્રણેય જણ સ્થળ ઉપરથી જતા રહ્યા હતા. જોકે, જતા જતા તેઓ કહેતા હતા કે હવે પછી નીલગીરીના ઝાડોનું નામ લીધું તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી ગયા હતા. આ બનાવમાં ભરતભાઈ માછી તેઓની પત્ની કુસુમબેન અને ભાભી રમીલાબેનને ઈજાઓ પહોંચતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરા રેફરલ હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ભરતભાઈ માછીના પુત્ર અલ્પેશ માછીએ શહેરા પોલીસ મથકે પરેશ માછી, અશોક માછી અને દિલીપ ઠાકોર આ ત્રણેય ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.