કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા બામરોડા આંગણવાડીની મુલાકાત

બામરોડા આંગણવાડી ખાતે કલેક્ટરશ્રીએ નાના ભૂલકાઓનું જાતે વજન અને ઉંચાઈ માપીને તેમના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરની ચકાસણી કરી

મહીસાગર, ૨૧ જુલાઈ: મહીસાગર જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે ચાલી રહેલા ‘કુપોષણ મુક્ત મહીસાગર અભિયાન’ના બીજા તબક્કાને વધુ વેગવંતો બનાવવામાં આવ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગરે ખાનપુર તાલુકાના બામરોડા આંગણવાડી કેન્દ્રની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ આંગણવાડીના બાળકો અને તેમના વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધીને તેમને યોગ્ય પોષણનું મહત્વ સમજાવ્યું હતું અને કુપોષણ મુક્ત બનવા માટે જાગૃત કર્યા હતા.

બામરોડા આંગણવાડી ખાતે કલેક્ટરશ્રીએ નાના ભૂલકાઓનું જાતે વજન અને ઉંચાઈ માપીને તેમના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરની ચકાસણી કરી હતી. ત્યારબાદ બાળકોના ઉત્સાહમાં વધારો કરવા તેમજ તેમનામાં શિક્ષણ પ્રત્યેની રુચિ કેળવવા માટે કલેક્ટરશ્રીના હસ્તે તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લાના બાળકોને સંપૂર્ણપણે કુપોષણમાંથી મુક્ત કરવાના ભગીરથ પ્રયાસરૂપે આ અભિયાનના બીજા તબક્કામાં જિલ્લાના અન્ય ૮૬ જેટલા અધિકારીશ્રીઓને આંગણવાડીઓ દત્તક આપવામાં આવી છે. વહીવટી તંત્રના આ સઘન અને સહિયારા પ્રયાસો થકી મહીસાગર જિલ્લો કુપોષણને જડમૂળથી નાબૂદ કરી ‘પોષણયુક્ત મહીસાગર’ બનવાની દિશામાં મક્કમ પગલે આગળ વધી રહ્યો છે.