કાલોલ, કાલોલ રેફરલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર ખાતે ફરજ બજાવતા મહિલા કર્મચારી ગરીબ દર્દીઓને દવાઓને બદલે ખાનગી હોસ્પિટલમાં જવાની સલાહ આપતા હોવાનુ લોકબુમો ઉઠવા પામી છે.
સ્થાનિક મહિલા તેના પુત્રની માંદગીની સારવાર માટે રેફરલ હોસ્પિટલે આવ્યા હતા. જયાં પીડીયાટ્રીક પાસે જરૂરી નિદાન કરાવી તબીબે દવાઓ લખી આપતા દવા લેવા માટે મહિલા હોસ્પિટલના મેડિકલ સ્ટોર પર પહોંચી હતી. જયાં સ્ટોર કર્મચારીએ એક જ દવાની બોટલ આપી હતી. જેથી મહિલાએ બીજી દવા વિશે પુછતા મેડિકલ સ્ટોરના મહિલા કર્મચારીએ સ્ટોક નહિ હોવાનુ જણાવ્યુ હતુ. જેથી તાવ જેવી સામાન્ય રોગની દવાઓનો સ્ટોક નહિ હોવા અંગે અને દવા કયારે આવશે તેવી પુછપરછ સ્ટોર કર્મચારીએ ‘ તમારે ઈમરજન્સી હોય તો ધણી પ્રાઈવેટ હોસ્પિટલો અને મેડિકલ સ્ટોરો છે ત્યાં જાવ’ કહેતા મહિલા આવાચક બની ગઈ હતી. સ્ટોર કર્મચારીના વર્તન અંગે અગાઉ પણ ફરિયાદો થઈ હતી. જેથી કર્મચારીઓ દ્વારા ગરીબ દર્દીઓ સાથે માનવીય વર્તાવ કરવાની માંગ ઉઠવા પામી છે.