ફતેપુરા,
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં એમ.જી.વી.સી.એલ તંત્રનો વહીવટ દિન-પ્રતિદિન કથળી રહ્યો છે. તેમજ ગ્રાહકો દ્વારા વીજ પ્રવાહમાં સર્જાતી ખામી બાબતે ફતેપુરા કચેરીમાં અનેકવાર મહિનાઓ સુધી રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવતા હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી રહે છે. જેમાં એ ખાસ કરીને ખેડૂતોએ પોતાના કુવા ઉપર એગ્રીકલ્ચર વીજ જોડાણ મેળવેલ હોય અને વીજ પ્રવાહમાં કોઈ ખામી સર્જાય કે વીજ ડી.પી. બળી જાય ત્યારે તેની રજૂઆત ફતેપુરા એમ.જી.વી.સી.એલ.માં કરતા હોય છે. છતાં વીજ ગ્રાહકોની રજૂઆતો પ્રત્યે તંત્ર દ્વારા સમયસર ધ્યાન નહીં આપતા ખેડૂતોને પોતાના ખેતી પાકો જતા કરવા પડતા હોય છે. તેવી જ રીતે તાલુકાના કાળીયા-લખનપુર ગોંદરા ફળિયામાં છેલ્લા એક વર્ષથી વીજ ડી.પી બળી જતાં તેની અનેક વાર મૌખિક-લેખિત રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવતું નહીં હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા ગામે ગોંદરા ફળિયામાં એગ્રીકલ્ચર વીજ લાઈનની વીજ ડી.પી બેસાડવામાં આવેલ છે અને આ વીજ ડી.પી. માંથી કુવા ઉપર વીજ જોડાણ આપેલ છે અને ખેડૂતો દ્વારા સમયસર વીજબીલ પણ ભરપાઈ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ વીજ ડી.પી. છેલ્લા એક વર્ષથી બળી જતાં કુવા ઉપર જતો વીજ પ્રવાહ બંધ થઈ ગયેલ છે. જે બાબતે ફતેપુરા એમ.જી.વી.સી.એલ. કચેરીમાં અનેકવારની રજૂઆતો કરવા છતાં ડી.પી આવશે ત્યારે બેસાડી આપીશું ના તંત્રના જવાબદારો દ્વારા જવાબો આપવામાં આવી રહ્યા છે. જ્યારે આ વીજ કનેક્શન લેનાર ખેડૂત ગત રવિ સિઝનના પાકો લઈ શક્યા નથી.અને જે બાબતે પણ ફતેપુરા એમ.જી.વી.સી.એલ તંત્રને લેખિત અને મૌખિક રીતે વાકેફ કરવામાં આવેલ હોવા છતાં આજદિન સુધી નવીન વીજ ડી.પી બેસાડવામાં આવેલ નથી. જોકે, હાલ ચોમાસું સીઝન આવી રહી છે અને વરસાદી પાણીનો અભાવ પડતાં વીજ પ્રવાહથી ઈલેક્ટ્રીક મોટરો દ્વારા ખેતીમાં પાણી આપવું પડતું હોય છે. ત્યારે વીજ પ્રવાહના લીધે ખેડૂતોની ખેતી નિષ્ફળ જાય નહીં તે પ્રત્યે ફતેપુરા એમ.જી.વી.સી.એલ. તંત્ર તાત્કાલિક ધ્યાન આપે તેવી પણ ખેડૂતોની માંગ ઉઠવા પામેલ છે.
અમોએ કાળીયાના ડુંગર ફળિયા ખાતે આવેલ અમારા કુવા ઉપર વર્ષોથી એગ્રીકલ્ચર વીજ લાઈન લીધેલી છે.અને અમો નિયમિત વીજબિલ પણ ભરપાઈ કરીએ છીએ.પરંતુ ગત એક વર્ષથી અમોને વીજ કનેક્શન આપવામાં આવતી વીજ ડી.પી ગોંદરા ફળિયા ખાતે આવેલ જે વીજ ડી.પી બળી ગયેલ છે.જેની અમો એક વર્ષથી ફતેપુરા એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે લેખિત અને મૌખિક રજૂઆતો કરી થાકી ચૂક્યા છીએ.પરંતુ વીજ ડી.પી આવશે ત્યારે ફીટ કરી આપીશુંના જવાબો આપી અમોને ધરમ ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે.અમોને તાત્કાલિક નવીન વીજ ડી.પી ફીટ કરી વીજ પ્રવાહ ચાલુ કરી આપવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે.