ભાવનગર
ભાવનગરમાં પરંપરાગત ગણેશજીની સ્થાપના, ઉજવણી અને ભક્તિ કરવાને સ્થાને કોરોના મહામારીમાં માનવ સેવા ધર્મને મહત્વ આપી પ્લાઝમા અને રક્તદાન કેમ્પનું દસ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન થકી કોરોના પીડિત દર્દીર્ઓની સેવા ભક્તિ કરાશે. ભાવનગરમાં ક્રેસન્ટ સર્કલ ખાતે સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા વર્ષોથી પરંપરા મુજબ ગણેશોત્સવ યોજાવામાં આવે છે.
આ વર્ષે કોરોનાની વૈસ્વિક મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ ગણેશજીની સ્થાપના અને સેવા કરવાને બદલે માનવ સેવા ધર્મના ભાગરૂપે દસ દિવસ સુધી નિર્મળનગર ડાયમંડ સોશિયલ ગ્રુપના સહયોગથી રક્તદાન અને પ્લાઝમા ડોનેટનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની સેવાર્થે પ્લાઝમા અને રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન અને પ્લાઝમા ડોનેટ કરનાર દાતાઓને મોમેન્ટો આપવામાં આવશે.
પ્રથમ ૧૦૦ પ્લાઝમા ડોનેટ કરનાર દાતાઓને વિશેષ મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવશે. ભાવનગરમાં કોરોના પીડિત દર્દીઓ માટે પ્રથમવાર આ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. ક્રેસન્ટ પંડાલમાં ગણેશજીની પરંપરાગત સ્થાપના બંધ રાખી રક્તદાન અને પ્લાઝમા ડોનેટ દ્વારા માનવ સેવા કરવામાં આવી રહી છે. ગણેશજીની પ્રભુ ભક્તિના સ્થાને કોરોના પીડિત દર્દીઓની રક્તદાન અને પ્લાઝમા ડોનેટ કેમ્પ દ્વારા સેવા ભક્તિ કરવામાં આવી રહી છે.