દાહોદ,
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના અનવપુરા ગામે હાઈવે રોડ પર ચાર જેટલા લઘુમતિ કોમના યુવકો દ્વારા એક યુવકને ગડદાપાટ્ટુનો માર મારી હાથના ભાગે તીક્ષ્ણધારવાળી આરી (હેક્સો બ્લેડ) હાથના ભાગે મારતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી. ત્યારે આ બનાવ બાદ સામાપક્ષેથી ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનો તથા તેના સાથી મિત્રો દ્વારા અનવરપુરા હાઈવે રોડ પર આવેલ હોટલ પર 15થી વધુ ઈસમોના મારક હથિયાર સાથે ઘસી આવેલ ટોળાએ હોટલમાં તોડફોડ કરી એક્ટીવા ગાડીને પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ મામલે પોલીસમાં સામાપક્ષેથી ફરિયાદ નોંધાંવા પામી છે.
ગતરોજ ઝાલોદ તાલુકાના મુવાડા ગામે ભોજા ફળિયામાં રહેતાં સુનીલભાઈ કલસીંગભાઈ વસૈયા રાજસ્થાનના મોનાડુંગર ખાતેથી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ ઝાલોદ ખાતે આવી રહ્યાં હતા. તે સમયે રસ્તામાં ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે હાઈવે પર પાછળથી એક છોટા હાથી મરઘા ભરવાના રેકડામાં સવાર શાહરૂખ રસીદ મતાદાર (રહે. વ્હોરા કંમ્પાઉન્ડ, તા. ઝાલોદ, જી.દાહોદ) અને અલ્તમસ આરીફ મતાદાર (રહે. ગુલીસ્તાન સોસાયટી, તા.ઝાલોદ, જી.દાહોદ), ફેઝ ઉર્ફે આકાશ રસીદ મતાદાર (રહે. વ્હોરા કંમ્પાઉન્ડ, તા. ઝાલોદ, જી.દાહોદ) અને અન્ય એક ઈસમને મોબાઈલ ફોન કરી બોલાવતાં બંન્ને ઈસમો પણ ત્યાં આવી પહોંચ્યાં હતાં અને ઉપરોક્ત ચારેય ઈસમોએ સુનીલભાઈને કહેવા લાગેલ કે, ઝાલોદના દાદા થઈ ગયા છો, તેમ કહી જાતિ અપમાનીત કર્યા હતા અને એકદમ ઉશ્કેરાઈ જઈ સુનીલભાઈને ગડદાપાટ્ટુનો માર મારી એકે પોતાની સાથે લાવેલ તીક્ષ્ણધારવાળી આરી (હેક્સો બ્લેડ)થી સુનીલભાઈના હાથે ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી દેતાં સુનિલભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે ઈજાગ્રસ્ત સુનિલભાઈ કલસીંગભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત ચારેય ઈસમોની અટકાયત કરી આગળની કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરોક્ત ઘટના બાદ સામાપક્ષેથી શઓકતશાહ કુતુબશાહ દિવાન (રહે. ઝાલોદ, તળાવ ફળિયું, ખોડીયાર માતાના મંદિર પાસે, તા. ઝાલોદ, જી.દાહોદ) નાએ ઝાલોદ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ઝાલોદમાં મુવાડા ખાતે રહેતાં વિશાલભાઈ ભરતભાઈ મહિડા, પર્વતભાઈ મગનભાઈ હઠીલા, અંકિતભાઈ ગવજીભાઈ હઠીલા, રાજુભાઈ નટુભાઈ વસૈયા, અમિતભાઈ રાકેશભાઈ વસૈયા, વિશાલભાઈ મુકેશભાઈ મેડા, પોપટ વરસીંગભાઈ વસૈયા તથા તેમની સાથે બીજા અન્ય 10થી 15 ઈસમોના ટોળાએ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી શોકતશાહ કુતુબશાહ દિવાનની અનવપુરા ગામે હાઈવે રોડ પર આવેલ હોટલ પર આ ટોળુ મારક હથિયારો સાથે આવ્યું હતું અને ઉપરોક્ત ઝઘડાની અદાવત રાખી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, અમારા મુવાડાના વસૈયાઓને મારવાવાળા તમે કોણ, તેમ કહી એક્ટીવા ગાડીની તોડફોડ કરી, હોટલની અંદરના સરસામાન ફ્રીજ, મીક્સર મશીન, ખુરશીઓ, ટીપોઈ, લોખંડના ટેબલ, પાણીની ટાંકી, હોટલનો સરસામાન તેમજ બીજા સરસામાનની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવી મારી નાંખવાની ધમકી આપી ઉપરોક્ત ટોળુ નાસી ગયું હતું. આ સંબંધે પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.