કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની લાશ મળી આવી: ત્રણ મહિનામાં ત્રણ મોત થયા

  • મનિટોબા પ્રાંતના બ્રાન્ડન સિટી નજીક એસિનીબોઈન નદી અને હાઇવે ૧૧૦ બ્રિજ નજીક એક લાશ પડેલી મળી હતી.

ટોરેન્ટો, કેનેડાની બ્રાન્ડન પોલીસના જણાવ્યા સર્ચ ઓપરેશન દરમિયાન, મનિટોબા પ્રાંતના બ્રાન્ડન સિટી નજીક એસિનીબોઈન નદી અને હાઇવે ૧૧૦ બ્રિજ નજીક એક લાશ પડેલી મળી હતી. ગુમ વિષય પટેલના પરિવારના સભ્યોએ નદી નજીકથી તેના કપડાં મળી આવ્યા હતા, જે બાદ તેમણે પોલીસને જાણ કરતા પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન તેમને એક પુરુષની લાશ મળી આવી હતી. અધિકારીઓએ હજી સુધી વિદ્યાર્થીની લાશની સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ પોલીસનું માનવું છે કે તે ગુમ થયેલા વિદ્યાર્થી વિષય પટેલની છે.

કેનેડાના બ્રાન્ડોન શહેરમાં ૨૦ વર્ષના વિષય પટેલ છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતો. વિષયને છેલ્લે ૧૫મી જૂને રાત્રે ૧૧ વાગ્યા આસપાસ ઘરની બહાર નીકળતા જોવાયો હતો. આ બાદથી તેનો કોઈ પતો નહોતો. જેથી તેના ગુમ થવા અંગે પરિવારના સભ્યો દ્વારા બ્રાન્ડોન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પણ વિશયને શોધવામાં લાગી હતી, દરમિયાન કેનેડામાં રહેતા ભારતીય મૂળના લોકો પણ વિશયને શોધવામાં સોશિયલ મીડિયા કેમ્પેઈનની મદદ લઈ રહ્યા હતા.

બ્રાન્ડોન શહેર પોલીસ મુજબ, વિશયને તેના ઘરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં પોતાની કાર સાથે બહાર જતા જોવાયો હતો. જોકે બીજા દિવસે ઘરના પાર્કિંગમાંથી તેની કાર મળી આવી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. પોલીસ મુજબ કેટલાક લોકોએ તેને તે જ રાત્રે ઘરેથી ડિસ્કવરી સેન્ટર તરફ ચાલીને જતા જોયો હતો.

નોંધનીય છે કે, આ પહેલા ગત મે મહિનામાં પણ કેનેડામાં ગુજરાતી યુવકનું ગુમ થયા બાદ મોત થયું હતું. મૂળ ભાવનગરના સિદસર ગામનો આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં રહીને અભ્યાસ કરતો હતો. ટોરન્ટો શહેરમાં આવેલી યોર્ક યુનિવર્સિટીમાં તે અભ્યાસ કરતો હતો. ગત ૫મી મેના રોજ તે અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી તેની સાથે રહેતા મિત્રોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તે ન મળતા તેના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ત્યારે પરિવારના કહેવા પર મિત્રોએ આયુષના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ પહેલા એપ્રિલ મહિનામાં અમદાવાદનો હર્ષ પટેલ જે ટોરન્ટોની યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો, તે પણ અચાનક ગુમ થઈ ગયો હતો. જે બાદ તેની પણ લાશ મળી આવી હતી. આમ એપ્રિલ, મે અને પછી જૂન, ૩ મહિનામાં ગુજરાતી સ્ટુડન્ટના ગુમ થયા બાદ મૃતદેહ મળવાની આ ત્રીજી ઘટના બની છે. ત્યારે ઘટનાને લઈને હવે કેનેડામાં રહેતા ગુજરાતીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.