ભરણ-પોષણના ૫૫ હજાર આપવાના આદેશ પર પતિ સાત થેલા સિક્કા લઈને કોર્ટ પહોંચ્યા

જયપુર, જયપુરની ફેમિલિ કોર્ટમાં એક હેરાન કરી દેનારો કિસ્સો જોવા મળ્યો હતો. એક પતિ પત્નીને ભરણ પોષણ માટે આપવાની થતી ૫૫ હજાર રુપિયાની રકમને સિક્કામાં લઈને કોર્ટ પહોંચ્યો હતો. સાત થેલા સિક્કા ભરેલા જોઈને જજ પણ હેરાન થઈ ગયા હતા.

એક પત્નીએ જયપુરમાં પોતાના પતિ પર દહેજ માંગવાનો આરોપ લગાવ્યો હતો. તેનાં પર સુનાવણી કરતા કોર્ટે પતિને જેલભેગો કરવા અને પત્નીને ભરણ પોષણની ૫૫ હજાર રુપિયા આપવાની માંગ કરી હતી.

પતિ ૫૫ હજાર રુપિયાના સિક્કા લઈને કોર્ટ પહોંચ્યો હતો. પત્નીના વકીલે વિરોધ કરી કહ્યું હતું કે આ એક પત્નીને હેરાન કરવા માટેનું પગલું છે. પતિના વકીલે કહ્યું કે આ ભારતીય મુદ્રા જ છે, જેને સ્વિકારવી જોઈએ.

કોર્ટે આ મુદ્દે પતિને કહ્યું કે ૨૬ જૂન સુધી આ સિક્કાની ગણતરી કરી કોર્ટમાં આવવું અને સિક્કાને ૧-૧ હજારની થેલીઓમાં તૈયાર કરીને પત્નીને આપવામાં આવે. જણાવી દઈએ કે દશરથ કુમાવત નામના શખ્સના સીમા સાથે ૧૦ વર્ષ પહેલાં લગ્ન થયા હતા.

લગ્નના ત્રણ-ચાર મહિના પછી જ બંને વચ્ચે ઝઘડા શરુ થઈ ગયા અને પત્નીએ ડિવોર્સ માટે કોર્ટમાં અરજી કરી દીધી. મામલાની સુનાવણી માટે કોર્ટે પતિને ભરણ પોષણના ૫૫ હજાર રુપિયા આપવાનો ચુકાદો આપ્યો હતો.