તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજીની મુશ્કેલીઓ વધી, ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાના આદેશને સ્વીકારવાનો કોર્ટે ઇનકાર કર્યો

નવીદિલ્હી, મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરાયેલા તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજીની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. સુપ્રીમ કોર્ટે બાલાજીને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપતા મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૧૯ જૂને ચેન્નાઈની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સેંથિલ બાલાજીને ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપતા મદ્રાસ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.તમિલનાડુના ઉર્જા અને આબકારી મંત્રીની ઈડી દ્વારા ૧૪ જૂનના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કથિત રોકડ નોકરીના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડ ત્યારે થયું હતું જ્યારે તેઓ એઆઇએડીએમકે સરકારમાં પરિવહન મંત્રી હતા.

બાલાજીની પત્નીએ ગેરકાયદેસર ધરપકડના આરોપમાં મદ્રાસ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપ્યો કે બાલાજીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે. બાલાજીને કોરોનરી બાયપાસ સર્જરીની સલાહ આપવામાં આવી છે.