વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર : ત્રણ મહિના પહેલાં જ ખુલ્લો મુકાયેલો સનાથલ ઓવરબ્રિજ પર ગાબડાં પડ્યાં.

અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બનાવવામાં આવેલો વધુ એક બ્રિજ હવે વિવાદમાં આવ્યો છે. ત્રણ મહિના પહેલાં જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા સનાથલ ફલાય ઓવરબ્રિજમાં ગાબડાં પડ્યાં છે. બ્રિજ પર ગાબડાં ઉપરાંત રોડ તૂટી ગયો છે અને કાકરીઓ પણ ખરી છે. ઉદઘાટન કર્યાના માત્ર ત્રણ મહિનામાં જ બ્રિજમાં ગાબડાં પડતાં બ્રિજ બનાવનાર કંપની અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની સામે સવાલ ઊભા થયા છે. ઔડા દ્વારા કોન્ટ્રેકટર કંપની રચના કન્સ્ટ્રક્શન અને પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપનીને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે. આ ઉપરાંત SVNIT સુરતને આ સમગ્ર બાબતે તપાસ સોંપવામાં આવી છે.

કંપનીને નોટિસ ફટકારી ખુલાસો મગાયો
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે સનાથલ ફલાય ઓવરબ્રિજ ઉપર જ્યારે વરસાદ પડ્યો ત્યારે એનો યોગ્ય રીતે નિકાલ થયો નહોતો, જેના કારણે પાણી ભરાઈ રહ્યું હતું અને એના પરથી ભારે વાહનો પસાર થયાં હતાં, જેથી બ્રિજ ઉપર ગાબડાં પડ્યાં છે. આ મામલે તાત્કાલિક કોન્ટ્રેક્ટર કંપનીને જાણ કરવામાં આવી હતી અને પુરાણ કરવામાં આવ્યું હતું. કોન્ટ્રેક્ટર કંપની તેમજ ઇએમપી કંપનીને નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે. વરસાદી પાણીનો નિકાલ માટે બનાવવામાં આવેલા વિપ હોલ્સમાં સફાઈ યોગ્ય રીતે ન થઈ હોવાથી અથવા તો ઓછા વિપ હોલ્સના કારણે પાણી ભરાઈ રહ્યું હતું, જેથી આ મામલે પણ જાણ કરવામાં આવી છે.