મહીસાગર જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો જોગ સંદેશ,બાગાયત ખેડૂતો માટે i-khedut પોર્ટલ પર સહાય માટે અરજી ચાલુ

મહિસાગર, મહીસાગર જીલ્લાના ખેડૂત ખાતેદાર કે જે પોતાના અથવા વ્યવસાયિક ધોરણે શાકભાજી પાકોનું ધરૂં ઉછેર અથવા ફળ પાકોના રોપા કલમ ઉછેર કરવા માંગતા હોય તે ખેડૂત માટે વર્ષ 2023-24 માટે બાગાયત ખાતાની સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજનાના ઘટકમાં સહાય મેળવવા માટે તા. 20/06/2023 થી 19/07/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ ( https://ikhedut.gujarat.gov.in ) ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આ યોજનામાં નાના પાયે 200 થી 500 ચો.મી. (2 થી 5 ગુંઠા) વિસ્તારમા નર્સરી બનાવવાની રહેશે જે નર્સરીનો એકમ ખર્ચ રૂ. 3,50,000/એકમ જેમાં નર્સરી સ્ટ્રક્ચર રૂ.3,00,000/એકમ (500 ચો.મી.) અને સ્ટાર્ટર કીટ રૂ. 50,000/એકમ મુજબ રહેશે જેમાં સામન્ય જાતિના ખેડૂત માટે ખર્ચના 65% અથવા મહતમ રૂ. 2,27,500/- બે માંથી જે ઓછુ હોય તે તેમજ અનુ. જાતિ/ અનુ. જનજાતિ ખેડૂતોને ખર્ચના 75% અથવા મહત્તમ રૂ. 2,62,500/- બે માંથી જે ઓછુ હોય તે ધોરણે લાભાર્થી દીઠ તેમજ ખાતા દીઠ આજીવન એક જ વાર સહાય મળવાપાત્ર છે.

જેમાં જી.આઈ. પાઈપ વાળા સ્ટ્રક્ચર સાથે નેટ/પ્લાસ્ટીક (યુ.વી.) અથવા બન્નેનો સમન્વય કરી તેમજ જરૂરી સાધનો પ્લગ ટ્રે, મિડીયા, પ્લાસ્ટીક બેગ, હેંડ ટુલ્સ ટ્રોલી, કેરેટ્સ, પિયત સુવિધા વગેરે વસાવવાની રહેશે. સ્ટ્રક્ચર બાંધકામ અંગેની મંજુરી મળ્યેથી એમ્પેનલ થયેલ કંપની દ્વારા 90 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે. મહિલા, દિવ્યાંગ, નાના, સિમાંત ખેડુતોને પ્રાધાન્ય આપવામાં આવશે.

જે ખેડુતમિત્રો બાગાયત ખાતાની આ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગ્રામ પંચાયતના ઇ-ગ્રામ પંચાયત કેન્દ્રમાં VCE મારફત અથવા ખાનગી ઇન્ટરનેટ સોર્સ મારફત પોતાના 7,12,અને 8-અ ના તાજા પુરાવા, આધારકાર્ડ, આધાર લીન્ક બેન્ક ખાતાની વિગત તેમજ જાતિનો દાખલાની વિગત સાથે લઈ જઈને સમયસર અરજી કરવી તથા અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનિક કાગળો દીન -7 માં નાયબ બાગાયત નિયામકની કચેરી, સરદાર પટેલ સ્કુલની બાજુમાં, ચાર કોશિયા નાકા, મોડાસા રોડ,લુણાવાડા, જી. મહીસાગર (ફોન.નં. 02674-250425) ખાતે રૂબરૂ જમા કરાવવા આથી જણાવવામાં આવે છે.