
- વિવિધ કોલેજ અને શાળાઓમાં બાળકોને યોગ માટે જાગૃત કરી પ્રોત્સાહીત કરતા મહીસાગર જીલ્લાના વાડીલાલ પટેલ.
- 24 જેલમાં અને અનેક તાલુકાઓમાં 265 જેટલી શિબિર કરી લોકોને યોગ વિશે માર્ગદર્શિત કરનાર યોગ સાધક વાડીલાલ પટેલ.
મહીસાગર, 21 જૂનના રોજ વિશ્ર્વ યોગ દિવસ ઉજવણી થઇ રહી છે, ત્યારે મહીસાગર જીલ્લાના ધોળી ગામના 70 વર્ષીય વાડીલાલ પટેલ કે જેઓને 102 પ્રકારના યોગના વિવિધ આસનો સિધ્ધ હસ્ત છે. જેમણે ગુજરાતની 24 જેલોમાં અને ગુજરાતના અનેક તાલુકાઓમાં નિ:શુલ્ક 265 યોગ શિબિરો કરી જેલમાં રહેતા કેદીઓ અને ગુજરાતની જનતાને યોગ કરવાથી થતા ફાયદા અને વિવિધ બીમારીઓમાં થતા લાભની માહિતી નિ:શુલ્ક પુરી પાડી છે.
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નાનકડા એવા ધોળી ગામમાં રહેતા 70 વર્ષીય નિવૃત ટીચર વાડીભાઈ પટેલને આજે લોકો યોગ ગુરૂના નામે ઓળખે છે. વાડીલાલભાઈ પટેલ જ્યારે નોકરી કરતા હતા ત્યારે તેમને વધુ થાક લાગવાને કારણે તેમણે મેડિકલ ચેકઅપ કરાવતા ડાયાબીટીસ હોવાનું માલુમ પડ્યું તેવા સમયે તેઓએ ટીવી પર યોગના કાર્યક્રમો જોયા અને તેઓએ બાબા રામદેવની શિબિરમાં જવાનું નક્કી કર્યું. વાડીલાલભાઈ પટેલ 2003ની સાલમાં સ્વામી રામદેવની શિબિરમાં યોગની તાલીમ લઇ તેઓ વતન પરત આવી રોજ સવારે યોગ કરવાની પ્રક્રિયા શરૂ કરી જેથી તેમને ડાયાબીટીસમાં રાહત થઈ ગઈ અને ઇન્સ્યુલેશનના ઇન્જેક્સનથી છુટકારો મળ્યો અને ત્યારથી તેઓએ પોતાની યોગ વિશેની જાણકારી સમાજના દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો નિરધાર કર્યો અને સમગ્ર ગુજરાતની વિવિધ શેક્ષણિક સંસ્થાઓ, સમાજ સેવી સંસ્થાઓની મદદથી નિ:શુલ્ક યોગ ચિકિત્સા પદ્ધતિની શિબિર કરીને સમાજના દરેક વર્ગના લોકોમાં યોગથી થતા લાભો અને યોગ કરવાથી દૂર થતી વિવિધ બીમારીઓની જાણકારી આપી એટલું જ નહીં વાડીલાલ પટેલે ગુજરાતની સેન્ટ્રલ જેલ, સબ જેલ, અમદાવાદની સાબરમતી જેલ મળી કુલ 24 જેટલી જેલોમાં 5 દિવસ સુધી રોજે સવારે જેલવાસ ભોગવતા કેદીઓ માટે પણ જેલોમાં યોગ શિબિર કરી યોગ કરવાથી થતા ફાયદાઓની માહિતી કેદીઓમાં પહોંચાડી છે.
વાડીલાલ પટેલ વિવિધ બીમારી માટે વિવિધ પ્રકારના આસનોની માહિતી શિબિરોમાં યોગના આસન દ્વારા આપતા હોય છે. તેઓ ડાયાબીટીસ, હાઈ લો બ્લડ પ્રેશર, થાઇરોડ, હૃદય રોગ જેવી બીમારીઓ માટે શિબિરોમાં વિવિધ પ્રકારના આસનો જેવા કે મંદુકાશન, હલાશન, શિરસાશન, વકરાશન, કપાલભાતિ, પ્રાણાયામ, સુખાશન, સર્વગાશન જેવા વિવિધ 102 જેટલા આસનોની માહિતી યોગ ચિકિત્સા શિબિરમાં નિ:શુલ્ક આપતા હોય છે.
વાડીલાલભાઈ પટેલ દરેક લોકો માટે નિ:શુલ્ક યોગ શિબિર દ્વારા સામાન્ય લોકોને યોગનું જ્ઞાન આપી દરરોજ વહેલી સવારે યોગ કરી યોગ થકી વિવિધ બીમારીઓ દૂર કરવાની સલાહ આપે છે તેમનું કહેવું છે કે યોગ કરવાથી રોગ દૂર થાય છે અને શરીર તદુરસ્ત રહે છે.