હાલોલ તાલુકામાં તુટેલા વીજપોલનુ સમારકામ ન કરાતા ખેડુતો પરેશાન

હાલોલ, હાલોલ તાલુકામાં 20 દિવસ પહેલા આવેલા વાવાઝોડાના કારણે અનેક વીજપોલ તુટી ગયા હતા. વીજ કંપની દ્વારા આ લાઈનોનુ રિપેરીંગ અને મરામત કામ કરવામાં નહિ આવતા ખેડુતો 20 દિવસથી વીજળીના અભાવે સિંચાઈ માટે પાણી નથી મેળવી શકતા જેથી ખેતીને ભારે નુકસાન થઈ રહ્યુ છે. સંવેદનશીલ સરકારના ડીજીટલ ઈન્ડિયા સુત્ર હેઠળ 24 કલાક વીજળીની સુવિધાઓના દાવા સામે હાલોલ મઘ્ય ગુજરાત વીજ કંપનીના અણધડ વહીવટે છેદ ઉડાળી મુકયો છે. ખેડુતોએ ચોમાસુ પાક લેવાની તમામ તૈયારીઓ કરી દીધી છે તો કેટલાક ખેડુતો વાવણી કરી રહ્યા છે. ત્યારે વીજળીના અભાવે ખેતરોમાં પાણી મુકી શકાતુ ન હોવાથી ગુલાબના ફુલો અને કપાસની ખેતીની સાથે સાથે ચોમાસા માટે વાવણી કરેલા કપાસને પણ ભારે નુકસાન થવાની ભિતી ખેડુતોને સતાવી રહી છે. આ વિસ્તારના ગામડાઓમાં બે ફીડર ઉપરથી ખેતીના વીજ કનેકશન આપવામાં આવ્યા છે. જે પૈકી જાંબુઘોડા ફીડરની લાઈન છેલ્લા 20 દિવસથી બંધ હોવાથી આ ફીડરના કનેકશન ધારક ખેડુતોની સ્થિતિ કફોડી બની છે.