પાણી આપવામાં લુણાવાડા નગરપાલિકા નિષ્ફળ : પાણી પુરવઠાની પાઇપ લાઈનમાં મોટું લીકેજ સર્જાયું.

મહીસાગરના લુણાવાડામાં પાણીની તંગી વચ્ચે પાણીનો વેડફાટ થયો છે. શહેરના સંતરામપુર રોડ ઉપર હાઇવે માર્ગની બાજુમાંથી પસાર થતી વોટર વર્કસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે હજારો લીટર પાણીનો બગાડ થયો છે અને પાણી રોડ પર વહી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, એક તરફ પાણીની મોટર બળી ગઈ હોવાના કારણે શહેરીજનોને ઓછા પ્રેશરથી ધીમું ધીમું પાણી મળી રહ્યું છે. ત્યારે આવા સમયે પાઇપ લાઈનમાં લીકેજ સર્જાતા શહેરી જનોની સમસ્યામાં વધારો થયો છે. બીજી તરફ પાણીનો બગાડ પણ થયો છે. આ પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા લોકોને પીવા માટેનું પાણી નકામું રોડ પર વહી ગયું હતું.

થોડા દિવસ અગાઉ પાઇપ લાઇન લીકેજ થઇ હતી
લુણાવાડા નગરના કોબા વિસ્તાર પાસેથી પાસર થતી પાણી પુરવઠાની પાઇપ લાઈનમાં મોટું લીકેજ સર્જાયું હતું. પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા 20થી 25 ફૂટ ઉંચા પાણીના ફુવારા ઉડ્યા હતા અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. લીકેજ એટલું મોટું હતું કે, દૂરથી જ પાણીના ઉછળતા ફુવારા દેખાઇ આવતા હતા. લુણાવાડામાં ભર ઉનાળે આ રીતે લીકેજ સર્જાતા મોટી માત્રામાં પાણીનો દુર્વ્યય થયો હતો.

અત્રે નોંધનીય છે કે, અગાઉ થોડા દિવસ પહેલા લુણાવાડા નગરમાં પાણીની સમસ્યા સર્જાઇ હતી. લુણાવાડા નગરને પાણી પૂરું પાડતી પાનમ વોટર વર્કસમાં પાણીનું જળસ્તર ઓછું થતા પાણીની તંગી સર્જાઈ હતી અને થોડા દિવસ માટે પાણી બંધ રાખ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ પાણીની મોટરો નીચે ઉતારી અને નગરમાં પુનઃ પાણી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ આજે પાઇપ લાઈનમાં લીકેજ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે.