મણિપુરમાં આશરે 50 દિવસથી હિંસાનું વાતાવરણ : 100થી વધુ લોકોના મોત.

  • મણિપુરમાં ભયંકર હિંસાનું વાતાવરણ 
  • 48માં દિવસે પણ 2 સમુદાયો વચ્ચે ચાલતો વિવાદ યથાવત
  • સરકારી તંત્રનું નથી સાંભળી રહ્યાં લોકો

મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયની વચ્ચે 3 મેથી હિંસા ભડકેલી છે. આ હિંસામાં આશરે 100 લોકો મૃત્યુ પામ્યાં છે. જ્યારે 10 હજારથી વધારે લોકોનાં ઘર સળગાવી દેવામાં આવ્યાં છે. 4100થી વધુ લોકો ફરિયાદ નોંધાવી ચૂક્યાં છે. ભયનાં લીધે હજારો લોકો ભાગી ગયાં છે. કેટલાક લોકો મિઝોરમ તો કેટલાક અસમમાં જતાં રહ્યાં છે. 50000 લોકોને રાહત શિબિરમાં રાખવામાં આવ્યું છે. સ્થિતિને કાબૂમાં લાવવા માટે 10 હજારથી પણ વધારે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યું છે. હિંસા ફેલાવનારા સરેંડર પણ કરી રહ્યાં છે તેમ છતાં હજુ સુધી રાજ્યમાં હિંસા શાંત નથી થઈ રહી.

સરકારી તંત્રનું કોઈ સાંભળવા જ તૈયાર નથી
કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી આર.કે.રંજનનું ઘર સળગાવી દેવામાં આવ્યું છે. શાંતિની અપિલ પણ અનેક વખત કરવામાં આવી છે પરંતુ સ્થિતિ સુધરવાનું નામ જ નથી લઈ રહી. સરકાર અને સરકારી તંત્રનું કોઈ સાંભળવા જ તૈયાર નથી. કેન્દ્રીય સશસ્ત્ર બળની 84 કંપનીઓને રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે. આ સિવાય રાઈફલ્સનાં પણ 10 હજારથી વધુ જવાનો તૈનાત છે તેમ છતાં મણિપુરની સ્થિતિ બગડતી જાય છે.

મણિપુરનાં CM બીરેન સિંહે શું કર્યું?
મણિપુરનાં CM બીરેન સિંહે ફરી એકવાર હથિયારોથી સજ્જ લોકોને હુમલો ન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે’ તેઓ કોઈપણ ઘર પર હુમલો ન કરે, શાંતિ જાળવી રાખે જેથી અમે રાજ્યની પરિસ્થિતિ સામાન્ય કરી શકીએ. જો કે તેમણે ચેતવણી પણ આવી છે કે જો વાત ન માની તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું.’ આ સિવાય CMએ કહ્યું કે હિંસાનાં ભયથી પોતાનું ઘર છોડીને ભાગી ગયેલા લોકોને ફરી ઘર સ્થાપિત કરવા માટે 3થી 4 હજાર પ્રી-ફેબ્રિકેટેડ ઘરનું નિર્માણ સરકાર કરી આપશે. આ ઘર 2 મહિનામાં તૈયાર થઈ જશે.