પંચમહાલ જિલ્લામાં દિલ્હી-મુંબઈ નેશનલ હાઇવેમાં મોટાપાયે માટી ચોરી થતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.

પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ નેશનલ હાઇવેમાં મોટા પ્રમાણમાં માટી ચોરીના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે મામલે પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા એક તપાસ ટીમ બનાવી તપાસ કરાવવાની માગ સાથે શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાને સાથે રાખી કોંગ્રેસી કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તપાસની માગ કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દિલ્હી મુંબઈ નેશનલ હાઇવે સરકારની એક સારી યોજના છે, પરંતુ માટી પુરણ કરનાર અને લેવનીંગ કરનાર કંપનીના કોન્ટ્રાકટરો દ્વારા ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગત અને ખાણ અને ખનીજ વિભાગના કર્મચારીઓના છુટાદોરના કારણે ગોધરા તાલુકાના ધણા તળાવો અને ધણી સરકારી જમીનમાંથી નિયમ વિરૂધ્ધ લંબાઈ પહોળાઈ કે ઊંડાઈનો માપ-તાલ જાળવ્યા વગર નિયમ કરતા વધુ પ્રમાણમાં ડમ્પરો દ્વારા JCBની મદદથી ખોદકામ કરીને ભરી લઈ જતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિયમ મુજબ ગ્રામ પંચાયતમાં એક ટ્રેક્ટરે કેટલી રોયલ્ટી જમા થાય છે. તેમજ ગોધરા ખાણ-ખનીજ વિભાગ દ્વારા ક્યા તળાવ કે સરકારી જમીનમાં મંજૂરી આપવામાં આવી અને કેટલી રોયલ્ટીની આવક થઈ તેનું સ્થળ નિરીક્ષણ ચકાસણી કરવામાં આવે તો આ કોન્ટ્રાકટરોએ કરેલ માટીનું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સમક્ષ તપાસ ટીમની રચના કરી તપાસ કરાવવાની માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.