- ચક્રવાતી તોફાન બિપોરજોયના કારણે રાજસ્થાનના વરસાદી માહોલ
- રાજસ્થાનના સાત જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર
- બાડમેરના ઘણા વિસ્તારોમાં પાણી, પાલીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
ચક્રવાતી તોફાન બિપોરજોયના કારણે રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વાત જાણે એમ છે એક, રાજસ્થાનના સાત જિલ્લા બારા, બુંદી, દૌસા, કરૌલી, કોટા, સવાઈ માધોપુર અને ટોંકમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અજમેર, ભીલવાડા અને ચિત્તોડગઢમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભીલવાડામાં આજે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે અજમેર, અલવર, ભરતપુર અને ભીલવાડામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ચિત્તોડગઢ, ધોલપુર જયપુર, ઝાલાવાડ, ઝુનઝુનુ, પ્રતાપગઢ, રાજસમંદ, સીકર અને ઉદયપુરમાં પણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બિપોરજોયના કારણે ભારે વરસાદને કારણે જાલોર અને સિરોહીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બાડમેર શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્રણ જિલ્લાના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે કેટલીક જગ્યાએ વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
પાલીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
આ તરફ રાજસ્થાનના પાલીમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે અનેક ઘરોના લોકો પાણી વચ્ચે અટવાયા હતા. માહિતી મળતાં જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને બચાવીને ઉચ્ચ સ્થાનો પર પહોંચાડ્યા હતા. રાજસ્થાનના આપત્તિ અને રાહત સચિવ પી.સી. કિશનના જણાવ્યા અનુસાર જાલોર, સિરોહી અને બાડમેરમાં ભારે વરસાદ થયો છે. આગામી 15 થી 20 કલાકમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
જયપુર અને અજમેરમાં વરસાદી વાતાવરણ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે જયપુરમાં આકાશ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ ચાલુ રહેશે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. આજે અજમેરનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અજમેરમાં પણ હળવા કે ભારે વરસાદની આગાહી છે. એક તરફ વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આ સાથે ખેડૂતો પણ થોડા ચિંતિત જોવા મળી રહ્યા છે. ખાસ કરીને તે જિલ્લાના ખેડૂતો જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, ભારે વરસાદથી ખેતીને નુકસાન થશે.