દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકા બાદ દેવગઢબારિયામાં પણ મનરેગા હેઠળના કામો ચોંકાવનારી હદે શંકાસ્પદ બન્યા હોવાનું સામે આવ્યું છે. અનેક ગામોમાં બેસુમાર લેબર સંખ્યા તો વળી અમુક ગામો એવા છે કે જ્યાં, કામો હકીકતમાં થયા હોય તો એટલી તો ગામની જમીન પણ નથી. આવી સ્થિતિમાં મનરેગા હેઠળનો છેલ્લા 3 વર્ષનો ખર્ચ શંકાસ્પદ છે. આટલુ જ નહિ, વર્ષોથી એક જ એજન્સીનો દબદબો હોવાથી તપાસની કોઈ શક્યતા બનતી નથી. જો આ બાબતે ગાંધીનગરથી ધોરણસરની તપાસ થાય તો ફતેપુરાથી પણ મસમોટું રેકેટ હોવાની સમગ્ર પંથકમાં બૂમરાણ છે.
આથી પણ વધુ સમજીએ તો, કથિત કૌભાંડ મામલે સ્થાનિક જાગૃત વ્યક્તિએ કોર્ટમાં રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે. દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા હેઠળના માટી કામો કે મટીરીયલ કામો શું પારદર્શક થઈ રહ્યા છે અથવા અગાઉ પૂર્ણ થયેલા પણ પારદર્શક છે ? આ સવાલ એટલા માટે ઉભો થયો કે, દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા હેઠળના કામો મામલે ચોંકાવનારી રજૂઆત થયેલી છે. જેમાં જણાવાયું છે કે, જે ગામોમાં કામો થયા ત્યાં પૂર્ણ બતાવેલ કામો જેટલુ ગ્રાઉન્ડ પણ નથી. એક જ કામને અલગ અલગ નામ આપી ડબલ અને ત્રિપલ ખર્ચ પાડી મોટું કૌભાંડ આચરવામાં આવ્યુ છે. તાલુકાના અમુક ગામોમાં છેલ્લા ત્રણ વર્ષથી બેમુસાર કામોની વહીવટી મંજૂરી આપી/અપાવી સંગઠિત ટોળકી મટીરીયલ અને લેબર ખર્ચમાં ભ્રષ્ટાચાર આચરી રહી છે. આ સાથે કેટલાક ગામો એવા છે કે જ્યાં લેબરોની સંખ્યાનો આંકડો ચોંકાવનારો હોવાનું જાણવા મળ્યું છે. રજૂઆત કર્તાએ સમગ્ર મામલે સત્તાવાર કાગળો આધારે તપાસ અને કાર્યવાહીની માંગ કરી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવગઢ બારિયા તાલુકામાં મનરેગાના કથિત ભ્રષ્ટાચારની તપાસ થાય તેવી શક્યતા નહિવત્ છે. આ બાબતે ઉંડાણમાં જતાં ધ્યાને આવ્યું કે, મટીરીયલ એજન્સીનો દબદબો એટલો છે કે, વહીવટી મંજૂરી હોય કે પેમેન્ટની ફાઇલ હોય, તુરંત પાસ થાય છે. આવી સ્થિતિમાં ટીડીઓ કે ડીઆરડીએ દેવગઢ બારિયા તાલુકામાં મનરેગાના કામોમાં ક્ષતિ શોધી શક્યા નથી, અથવા રજૂઆત આધારે પણ કાર્યવાહી સુધી પહોંચ્યા નથી. જો ફતેપુરાની જેમ દેવગઢ બારિયા તાલુકામાં છેક ગાંધીનગરથી ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવે તો મટીરીયલ અને માટી કામોમાં અકલ્પનીય ભ્રષ્ટાચાર બહાર આવે તેવી પ્રબળ શક્યતા છે.