ભોપાલ, મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના કેન્ટ પોલીસ સ્ટેશનની સામેનો એક વીડિયો ગુરુવારે મોડી રાતથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક મહિલા ૫૦૦-૫૦૦ની નોટો હવામાં ઉડાવતી જોવા મળે છે. તે પોલીસ વિભાગ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવી રહી છે. આ સાથે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર પણ આકરા પ્રહારો કરી રહી છે.મહિલાના હંગામા દરમિયાન આસપાસના લોકોના ટોળાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
હકીક્તમાં, આ વીડિયો ગુરુવારે રાત્રે નીમચના કેન્ટ પોલીસ સ્ટેશનની સામેનો છે. જ્યાં શાંતિ દેવી નામની એક રિટાયર્ડ મહિલા કર્મચારી પોતાના હાથથી ૫૦૦-૫૦૦ રૂપિયાની નોટ હવામાં ઉડાવતી જોવા મળે છે. મહિલાના કહેવા પ્રમાણે, તેનો પુત્ર તેની સાથે મારપીટ કરે છે. તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અને તેણીએ કાર્યવાહીની માંગણી કરી તો પોલીસ પૈસા માંગે છે. આથી તે પોતાની સાથે ૫૦૦-૫૦૦નું બંડલ લઈને આવી હતી અને તેણે પોલીસ સ્ટેશનની સામે હવામાં નોટો વિખેરી નાખી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાએ લગભગ ૨૫ હજાર રૂપિયાની નોટો રસ્તા પર વેરવિખેર કરી દીધી હતી.
મળતી માહિતી મુજબ કેન્ટ પોલીસ સ્ટેશનની બહાર હંગામો મચાવનાર મહિલાનું નામ શાંતિબાઈ છે. તે એનસીસીના નિવૃત્ત કર્મચારી છે. મહિલાને એક પુત્ર આશિષ લોટ છે, જે વ્યવસાયે ડાન્સ ટીચર છે. મળતી માહિતી મુજબ, મહિલાની તેના પુત્ર સાથે દરરોજ ઝઘડો થાય છે. લગભગ છ મહિના પહેલા પણ મહિલાએ કેન્ટ પોલીસ સ્ટેશનમાં તેના પુત્ર વિરુદ્ધ તેના બેંક ખાતામાંથી પૈસા ઉપાડ્યાની ફરિયાદ નોંધાવી હતી.