ચેન્નાઇ, સહયોગી મહિલા પોલીસ અધિકારીની જાતીય સતામણી કરવાના દોષિત તમિલનાડુના પૂર્વ પોલીસ મહાનિર્દેશક રાજેશ દાસને દોષિત જાહેર કરતાં કોર્ટે ૩ વર્ષની કેદની સજા ફટકારી હતી. વિલ્લુપુરમની એક કોર્ટે સસ્પેન્ડેેડ આઇપીએસ અધિકારીને મહિલાની જાતીય સતામણીના દોષિત ઠેરવ્યા હતા અને તેમને ત્રણ વર્ષની કઠોર કારાવાસની સજા ફટકારી હતી.
મહિલા આઇપીએસ અધિકારીએ ફેબ્રુઆરી ૨૦૨૧માં તેમના વરિષ્ઠ અધિકારી સામે ફરિયાદ દાખલ કરી હતી જેમાં આરોપ મૂક્યો હતો કે વરિષ્ઠ અધિકારીએ એ સમયે તેમનું જાતીય શોષણ કર્યું હતું જ્યારે તે તત્કાલીન મુખ્યમંત્રી કે.પલાનીસામીની સુરક્ષા માટે ડ્યુટી કરવા જતી વખતે મુસાફરી કરી રહ્યા હતા. એઆઇએડીએમકે સરકારે રાજેશ દાસને સસ્પેન્ડ કર્યા હતા અને તપાસ માટે ૬ સભ્યોની સમિતિની રચના પણ કરી હતી.
સમિતિના એક સભ્યએ જણાવ્યું કે અમે પોલીસકર્મીઓ સહિત કુલ ૬૮ લોકોના નિવેદન નોંધ્યા હતા. હવે અધિકારી પાસે અપીલ કરવા તથા તત્કાલ જામીન અરજી આપવાનો વિકલ્પ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧માં આ મામલો ચૂંટણીનો મુદ્દો બની ગયો હતો અને વિપક્ષના તત્કાલીન નેતા એમ.કે.સ્ટાલિને સત્તામાં આવતા યોગ્ય કાનૂની પ્રક્રિયા અને સજા અપાવવા આશ્ર્વાસન આપ્યું હતું.