વડોદરા, રાજ્યમાં બિપરજોય વાવાઝોડાએ તારાજી સર્જી છે, ત્યારે વડોદરા શહેર નજીક ધનીયાવી ગામ પાસે આવેલ સૂર્યનગરમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં વડનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં ૪ લોકો દબાયા હતા. જેમાંથી ૩ લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં એક રિક્ષા અને ૨ ટુ-વ્હીલર દબાયાં હતાં. વડના વૃક્ષની બાજુમાં આવેલ મકાન પણ ધરાશાયી થઇ ગયું હતું. જેથી ઘરમાં રહેલી મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. આ ઘટના અંગે સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, આ વડનું વૃક્ષ ચાર-પાંચ દિવસથી થોડું થોડું નમતું હતું. જેની અમે લોકોએ ફરિયાદો પણ કરી હતી.
વડોદરા શહેર નજીક આવેલ ધનિયાવી પાસે સૂર્યનગરમાં રહેતા પ્રેમિલાબેન માનસિંગભાઈ સોલંકી આજે સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ ભેંસોને ચારો નાખવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક બાજુના ખેતરની દિવાલ ભારે પવનના કારણે ધરાશાયી થઈ ગઇ હતી. જેને પગલે પરિવારજનો દોડી ગયા હતા અને દિવાલ ધરાશાયી થતાં મહિલા પ્રેમીલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓને તુરંત જ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. મહિલાના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મહિલાના પરિવારમાં પતિ, ૩ દીકરી અને એક દીકરો છે.
મૃતક મહિલાના પાડોશી લક્ષ્મણ ખટીકે જણાવ્યું હતું કે, વાવાઝોડાની સ્થિતિને પગલે આજે સવારે ૮.૩૦ વાગ્યાની આસપાસ ભારે પવન ફૂંકાઇ રહ્યો હતો. આ સમયે મહિલા પ્રેમિલાબેન ભેંસને ઘાસચારો નાખવા માટે ગયા હતા. આ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં તેઓ દિવાલ નીચે દબાઇ ગયા હતા. તેમને બહાર કાઢીને ૧૦૮ એમ્બ્લુયન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્ર્વાસ લીધા હતા.
મૃતકના પાડોશી જનક વાળંદે જણાવ્યું હતું કે, ખેતરની દિવાલ પહેલેથી જ નમી ગયેલી હતી અને આ બાબતે અમે વારંવાર ખેડૂતને રજૂઆતો કરી હતી. તેમ છતાં કોઇ દિવાલ બાબતે કોઇ કામગીરી કરી નહોતી અને આજે દિવાલ પડતા મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આજે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ એક મહાકાય વડનું ઝાડ ધરાશાયી થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં ૪ લોકો દબાયા હતા. જે લોકોને સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને તુરંત જ ૩ ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં આસપાસમાં લોકોનાં ટોળેટોળાં એકત્ર થઇ ગયાં હતાં અને વૃક્ષની નીચે દબાયેલા લોકોને સ્થાનિકોએ ખાટલામાં સુવડાવીને રેસ્ક્યૂ કર્યા હતા. ફાયરબ્રિગેડની ટીમ આવે તે પહેલાં સ્થાનિકોએ રેસ્ક્યૂ પૂર્ણ કરી દીધું હતું. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ઝાડને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.