વોશિગ્ટન, અમેરિકાના કેપિટલ હિલ્સમાં આયોજિત પહેલા અમેરિકન-હિન્દુ શિખર સંમેલનને સમર્થન આપવા આવેલા રિપબ્લિકન સાંસદ રીચ મેકકોમકે કહ્યું કે, અમેરિકાના વિકાસમાં આ સમુદાયનું બહુ મોટું યોગદાન છે.તેમણે કહ્યું કે, આ સમુદાય પાસે એટલી તાકાત છે કે તે નક્કી કરી શકે છે કે અમેરિકાના આગલા રાષ્ટ્રપતિ કોણ બનશે. બુધવારે શિખર સંમેલનમાં અનેક સાંસદો અને રાજકારણીઓ જોડાયા હતા. સમિટની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે થઈ હતી.
રીચ મેકકોમકે સંમેલનમાં જણાવ્યું કે, મારા મનમાં હિન્દુ સમુદાય માટે ઘણું સન્માન છે. તેઓએ અમેરિકામાં જે કર્યું છે તે ઘણું જ શ્રેષ્ઠ છે. હું અવાર-નવાર કહું છું કે જો આ સમુદાય જાગરૂક થઈ જાય અને તેઓને તેમની તાકાતની અનુભૂતિ થઈ જાય તો તેઓ અમેરિકાના આગલા રાષ્ટ્રપતિ પણ નક્કી કરી શકે છે. તમે તે સમજો છો. તમે જે છો તેની પાછળ એક વાસ્તવિક શક્તિ છે. જો તમે અમેરિકામાં સૌથી સફળ વસ્તી વિષયક સ્થિતિને જોશો, તો તમે રિપબ્લિકન જ્યુઈશ ગઠબંધન વિશે વિચારો છો. જ્યારે વાસ્તવિક્તા એ છે કે માત્ર ૩૦% યહૂદીઓ રિપબ્લિકન પાર્ટીને મત આપે છે. પરંતુ તમામ રિપબ્લિકન ઉમેદવારો યહૂદી ગઠબંધન સામે તેમનો દૃષ્ટિકોણ રજૂ કરે છે.
મેકકોમકે કહ્યું કે, રિપબ્લિકન અને યહૂદી ગઠબંધન એટલા સફળ નથી જેટલા તમે છો. આ અંગે વિચારો. એકવાર તમે તમારી રાજકીય શક્તિ દેખાડશો તો તમને તેની અસર પણ જોવા મળશે. જ્યારે તમે નેતા તરીકે તમારી જાતને તૈયાર કરો છો અને નેતાઓ સાથે મુલાકાત કરો છો તો તમે અનુભવશો કે વાસ્તવમાં તમે કેટલા શક્તિશાળી છો. તમે માત્ર તમારા સમુદાયની નહીં પણ અમેરિકાના દરેક સમુદાયની ભવિષ્યની પેઢીના ઘડતરની ક્ષમતા રાખશો. તમે કાયદો બનાવશો, અમેરિકા માટે વિઝન તૈયાર કરશો જે દાયકાઓ સુધી દેશને સફળ બનાવશે. એજ કારણ છે કે હું આ સમુદાયને પસંદ કરું છું.
અમેરિકન્સ ફોર હિન્દુ દ્વારા આયોજિત આ શિખર સંમેલનમાં દેશભરના હિન્દુ સમુદાયના નેતાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત ૨૦ અન્ય સંગઠનોએ સંમેલનને સમર્થન આપ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ભારતીયો અને હિન્દુઓનું વર્ચસ્વ વધ્યું છે. ૨૦૧૫ના પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં વસ્તીની દ્રષ્ટિએ હિંદુ ધર્મને અનુસરનારા લોકોની સંખ્યા ચોથા સ્થાને પહોંચી ગઈ છે. ૨૦૦૭ અને ૨૦૧૪ની વચ્ચે હિંદુઓની વસ્તીમાં લગભગ ૮૫%નો વધારો નોંધાયો હતો. ૨૦૦૭માં અમેરિકન હિંદુઓની સંખ્યા લગભગ ૦.૪% હતી, જે વધીને ૨૦૧૪માં ૦.૭% થઈ હતી. અમેરિકામાં લગભગ ૨૦ લાખ ભારતીય-અમેરિકનો છે જેમને મત આપવાનો અધિકાર છે. જો કે, આમાં બધા હિન્દુ નથી. પરંતુ ૨૦૧૬ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર હિન્દુ કાર્ડ રમ્યું હતું. ૨૦૧૬માં એક ચૂંટણી રેલીને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે, અમે હિંદુઓને પ્રેમ કરીએ છીએ. અમે ભારતને પ્રેમ કરીએ છીએ. અને હું હિંદુ ધર્મ અને ભારતનો મોટો પ્રશંસક છું.