મુંબઇ, ડબ્લ્યુટીસીની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ખરાબ રીતે હરાવ્યું હતું. આ હાર બાદ ટીમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આર અશ્ર્વિનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવા બદલ ટીમની ભારે ટીકા થઈ હતી. ત્યારે હવે પહેલીવાર અશ્ર્વિને ડબ્લ્યુટીસી ફાઇનલમાં ટીમમાં સ્થાન ન મળવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
અશ્ર્વિને કહ્યું કે તેને ડબ્લ્યુટીસીની ફાઇનલમાં રમવાનું ગમ્યુ હોત કારણ કે ફાઈનલ સુધી પહોંચવામાં મેં મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે કહ્યું કે છેલ્લી WTC ફાઇનલમાં મેં સારી બોલિંગ કરી ચાર વિકેટ ઝડપી હતી. મારી વિદેશમાં બોલિંગ ૨૦૧૮-૧૯થી શાનદાર રહી છે અને હું ટીમને મેચ જીતાડવામાં સફળ રહ્યો છું. અશ્ર્વિને કહ્યું કે જો હું કેપ્ટન અને કોચના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેણે કહ્યું કે છેલ્લી વખત જ્યારે અમે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી રમી હતી ત્યારે તે ૨-૨થી ડ્રો રહી હતી. અને આ સમયે ટીમને લાગ્યું કે ઈંગ્લેન્ડમાં મેચ જીતવા માટે ૪ ઝડપી બોલર અને એક સ્પિનરનું ટીમમાં હોવું વધુ સારું છે. મને લાગે છે કે WTC ની ફાઈનલ પહેલા પણ કોચ અને કેપ્ટને આવું જ વિચાર્યું હશે.
આર અશ્ર્વિને વધુમાં કહ્યું કે હું ૩૬ વર્ષનો છું અને સાચું કહું તો જે વસ્તુ તમને ગુસ્સો અપાવે છે અને ખુશી આપે છે તેમાં સમય સાથે બદલાવ આવે છે. તેણે કહ્યું કે જ્યારે પણ કોઈ સિનિયર ક્રિકેટર તેને મેસેજ કરે છે તો તે તરત જ જવાબ આપે છે. કારણ કે તેણે તેને યુવા તરીકે રમતા જોયો છે.
સચિન અથવા અન્ય દિગ્ગજોના WTC માંથી બહાર રહેવા અંગેના અભિપ્રાય અંગે અશ્ર્વિને કહ્યું કે હું ખુશ છું કે તેઓએ વિચાર્યું કે હું રમવા માટે ખુબ જ સારો છું પરંતુ હકીક્ત એ છે કે ન તો મને રમવાની તક મળી અને ન તો વર્લ્ડ ટ્રોફી મળી. મને ૪૮ કલાક પહેલા જ ખબર હતી કે હું ફાઇનલમાં રમીશ નહીં. મારો હેતુ ટીમના અન્ય બોલરોને મદદ કરવાનો હતો અને ટીમને ટ્રોફી જીતવામાં મદદ કરવાનો હતો કારણ કે મેં પણ તેમાં ભાગ ભજવ્યો હતો.