સાચું કોણ? સરકારી ચોપડે મોતનો આંક ઝીરો, પણ એનડીઆરએફ કહે છે કે લેન્ડફોલ પહેલા બે ના મોત થયા

ગાંધીનગર : રાજ્યના માથેથી વાવાઝોડા બિપોરજોયની મોટી ઘાત ગઇ છે. ત્યારે આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભાપે પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે રાહત કમિશનર આલોક પાંડેએ વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિની માહિતી આપી. જેમા સૌથી મહત્ત્વની વાત સામે આવી છે કે, રાજ્યમાં વાવાઝોડાને કારણે એકપણ મોત નોંધાયા નથી. પરંતુ બીજી તરફ એનડીઆરએફ કહે છે કે, ગુજરાતમાં ચક્રવાત ’બિપરજોય’ના કારણે ૨૩ લોકો ઘાયલ થયા અને ૨૪ પશુઓના મોત થયા. ચક્રવાત લેન્ડફોલ કરે તે પહેલાં ૨ માનવ જીવ ગુમાવ્યા છે. ત્યારે સાચું કોણ એ સવાલ પેદા થાય છે.

રાહત કમિશનર આલોક પાંડેએ પત્રકાર પરિષદમાં માહિતી આપી કે, વાવાઝોડામાં હજુ સુધી કોઈ મૃત્યુ નથી નોંધાયું એ સૌથી મોટી સિદ્ધિ છે. સામૂહિક પ્રયાસોથી આ શક્ય બન્યું છે. સ્થળાંતર થયેલા લોકો ને પાછા પોતાના ઘરોમાં મોકલવાની કામગીરી સ્થાનિક કક્ષાએથી નિર્ણય લેવામાં આવશે. ત્રણ રસ્તાઓને અસર થઈ છે. જેમાં બે રૂટ થવાના કારણે બંધ થયા છે, જ્યારે એક રૂટ કલેક્ટર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. હજુ વાવાઝોડાથી અસરગ્રસ્ત ૧૦૦૦ ગામડાઓમાં લાઈટ ચાલુ કરવાની બાકી છે. તો ૫૮૧ જેટલા ઝાડ પડી ગયા છે. રસ્તા ઉપરથી તેને દૂર કરવાની કામગીરી ચાલુ છે. કાચા મકાનો ૪૭૪, ૬૫ ઝુપડાનો સંપૂર્ણ નાશ થયા છે પણ આ આંકડા પ્રાથમિક છે. આજે બપોર સુધીમાં આંકડો વધારે સ્પષ્ટ થશે. આ આંકડો વધારે ઓછો થઈ શકે છે. ભાવનગરમાં સાયક્લોનની અસરમાં નથી. ભાવનગર સાયક્લોનિફેક્ટેડ જિલ્લામાં છે જ નહીં. વાવાઝોડાથી કોઈ જ માનવ મૃત્યુ નથી થયા.

ગઈકાલે સમી સાંજે ભાવનગર જિલ્લામાં સોડવદરા ગામે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. વરતેજના સોડવદરા ગામે બકરાને ચરાવી પરત ફરતા પિતા-પુત્ર પાણીના વોકળામાં તણાયા હતા. બાજુમાં આવેલ ભંડાર ગામેથી બંને પિતા પુત્ર બકરાઓ ચરાવી ઘરે પરત ફરતા હતા. ત્યારે અચાનક આવેલા પાણીના પ્રવાહમાં બકરાઓ તણાયા. બકરાને બચાવવા પિતા પુત્ર બન્ને પાણીમાં કૂદી પડ્યા હતા. બકરાને બચાવવા જતા તણાઈ જવાથી પિતા પુત્ર બંન્નેના મોત થયા છે. પાણીના ભારે પ્રવાહમાં તણાઈ જતાં બન્ને મોતને ભેટ્યા છે. સોડવદરા ગામે રહેતા રામજીભાઈ મેઘાભાઈ પરમાર (ઉ.૬૦ વર્ષ) અને તેમના પુત્ર રાજેશ રામજીભાઈ પરમાર (ઉ ૨૦ વર્ષ) નું મોત નિપજ્યું છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, બિપોરજોયની અસરકારક્તા ધીમે ધીમે ઘટી રહી છે. સિવિયર સાયક્લોન સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં બદલાઈ જશે. વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનો પ્રાથમિક રીપોર્ટ રજૂ કરવા આદેશ કરાયો છે. મુખ્ય સચિવે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોના કલેક્ટરોને નુકશાનીનો પ્રાથમિક રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં ભારે પવનોને વરસાદ શાંત થયા બાદ પ્રાથમિક રીપોર્ટ માટે કાર્યવાહી કરાશે. આ માટે મુખ્ય સચિવ તમામ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારના કલેક્ટરને આદેશ આપ્યા છે.