ભુજ, બિપરજોય વાવાઝોડાને લઈ કચ્છમાં અનેક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
માંડવીમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બિપરજોય વાવાઝોડુ કચ્છ માં પહોંચ્યા બાદ ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ પણ ખૂબ જ વરસ્યો હતો. માંડવીમાં પણ ભારે પવન અને વરસાદની અસર વર્તાઈ હતી. માંડવીમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. લગભગ ૧૦૦ જેટલા વૃક્ષો એકલા માંડવીમાં પડ્યા હતા. જ્યારે કેટલાક સ્થળે વીજપોલ પણ ધરાશાયી થયા હતા. માંડવીમાં અનેક સ્થળે શેડ ઉડવા અને ગલ્લાઓ પણ રસ્તાઓ પર ફંગોળાયેલા જોવા મળ્યા હતા. માંડવીના રસ્તાઓ પર વાહન વ્યવહાર પણ મુશ્કેલ બની ચૂક્યો છે.
કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન ફુંકાવા સાથે વરસાદ ગુરુવારથી વરસી રહ્યો છે. માંડવીમાં પણ મોડી રાત્રે અને શુક્રવારે વહેલી સવારે આવી જ રીતે વરસાદ વરસ્યો હતો. જેને લઈ અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હતા. રસ્તાઓ પર વૃક્ષો ધરાશયી થયેલા જોવા મળવા એ સામાન્ય દ્રશ્યો લાગી રહ્યા છે. આગાહીનુસાર આજે એટલે કે શુક્રવાર સાંજ સુધી આવી જ સ્થિતી રહેવાની સંભાવના વર્તાઈ રહી છે. બચાવ અને રાહતની ટીમો કચ્છમાં કામે લાગી ચૂકી છે. તેમના દ્વારા યુદ્ધના ધોરણે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.