લખનૌ, ગંગા નદીમાંડૂબી જવાના કારણે ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટના આજરોજ સવારે ૮.૧૫ વાગ્યાની આસપાસ શિવકુટી ઘાટપાસે બની હતી. પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે આ ઘટના બની હતી. આ ઘટનામાં આરએએફના જવાન અને તેના દીકરા-દીકરી અને પડોશીના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
ચારેય લોકોના મૃતદેહને ગંગા નદીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ દુ:ખદ ઘટના પ્રયાગરાજ માંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો રેપિડ એક્શન ફોર્સની ૧૦૧ બટાલિયનના જવાન ઉમેશ પોતાના ૧૨ વર્ષના દીકરા વિકાસ, ૮ વર્ષની દીકરી સ્વીટી અને પડોશીના દસ વર્ષના દીકરા અભિનવ સાથે સવારે ૮ વાગ્યાની આસપાસ ઘાટ પર પહોંચ્યા હતા.
અહીં બાળકો ગંગા નદીમાં ડૂબવા લાગ્યા હતા. બાળકોને ડૂબતા જોઈને ઉમેશે બુમાભૂમ કરીને તેમને બચાવવાના પ્રયાસો કર્યા. ત્યારબાદ ઉમેશ બાળકોને બચાવવા માટે ગંગા નદીમાં છલાંગ લગાવે છે. આ દરમિયાન પાણીના પ્રવાહના કારણે ઉમેશ બાળકો સાથે નદીમાં ડૂબી ગયો હતો.
આ ઘટનાની માહિતી મળતા જ રેપીટ એક્શન ફોર્સ અને તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યાર પછી ઘણી મહેનત બાદ ઉમેશ, વિકાસ અને અભિનવના મૃતદેહને સૌપ્રથમ ગંગા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. થોડાક સમય બાદ દીકરી સ્વીટીના મૃતદેહને પણ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.ત્યારબાદ પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે સવારે વીજળી આવી ન હતી. જેના કારણે તમામ લોકો ગંગા નદીમાં સ્નાન કરવા ગયા હતા. આ દરમિયાન ઉમેશ તેના બંને બાળકો અને પડોશીનો દીકરો પણ ગંગા નદીમાં સ્નાન કરવા માટે ગયો હતો. ત્યારે આ સમગ્ર દુર્ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઉમેશ સૌથી નાની દીકરીને પણ સાથે લેતો હતો. પરંતુ તે રડવા લાગી એટલે તે ઘરે જ રહી હતી. એક જટકામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.