- દાહોદ રેલ્વે સ્ટેશન પર SOG તેમજ GRP પોલીસ દ્વારા સંયુક્ત ચેકીંગ હાથ ધરતા મુસાફરોમાં ઉતેજના વ્યાપી.
દાહોદ, દાહોદમાં આગામી 20મી જૂનના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામ રથયાત્રા સ્વરૂપે નગર ચર્યાએ નીકળવાના છે. જેને લઇને રથયાત્રા સમિતિ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ તંત્ર પણ રથયાત્રાની તૈયારીઓને લઈ સ્કીમ તૈયાર કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમામ પ્રકારના પગલાંઓ લઈ રહ્યા છે. એવા સંજોગોમાં દાહોદ (SOG) એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં ઓચિંતુ ડોગ સ્કોર્ડ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તો બીજી તરફ દાહોદ ડિવિઝનના એસપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના રૂટ પર ફુટ પેટ્રોલિંગ યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, તો આજે SOG પોલીસે દાહોદ રેલવે સ્ટેશન ખાતે ગુજરાત રેલવે પોલીસની સાથે મળી રેલવે સ્ટેશન પર આવેલા સર્ક્યુલેટિંગ એરિયા, પાર્સલ ઓફિસ, મુસાફરખાના, તેમજ પ્લેટફોર્મ, પર ડોગ સ્કવોડ તેમજ મેટલ ડિટેક્ટર વડે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનના અંતે કોઈ વાંધા જનક પદાર્થ કે શંકાસ્પદ વ્યક્તિ ન મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. તો રેલવે સ્ટેશન પર SOG પોલીસે ગુજરાત રેલવે પોલીસ સાથે ડોગ સ્કવોડ (એક્સપ્લોસીવ ડિટેકશન કીટ) લેટર બોમ્બ ડિટેક્ટર ડીપ સર્ચ મેટલ ડિટેક્ટર તેમજ રીયલ ટાઈમ વીવર્સ સિસ્ટમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરતા રેલવે સ્ટેશન પર ઉપસ્થિત મુસાફરોમાં એક પ્રકારની ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. જોકે, પોલીસે રથયાત્રાને અનુલક્ષીને આ ઓપરેશન હાથ ધર્યું હોવાનું બહાર આવતા મુસાફરોએ પણ રાહત અનુભવી હતી.