ગોધરા,
લોકપ્રશ્ર્નોને જાણવાના વિનમ્ર પ્રયાસ સાથે બિનરાજકીય નિષ્પક્ષપણે રજુ કરતી શ્રેણીના ભાગરૂપ ગોધરા પાલિકાના વોર્ડ નં.૮ની મુલાકત લેતાં લોકોએ પોતાની લાગણી વ્યકત કરી હતી. આ વોર્ડમાં સાતપુલ, વચલા ઓઢા, ચેતનદાસ પ્લોટ, ગેની પ્લોટ, મહંમદી મસ્જીદ, ભૂખરી પ્લોટ, મહંમદી સોસાયટી, હમીરપુર, મક્કી મસ્જીદ થી એમઈટી સ્કુલ તરફનો રસ્તો, કુરકુર પ્લોટ, ઝકરીયા મસ્જીદ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. અગાઉ થયેલા વિકાસના કામો બાદ લોકો હજુયે વિકાસ ઝંખી રહ્યા છે. જેમાં સ્વચ્છતા, આંતરિક પાકા રસ્તા અને પાણીના માટે માંગ કરી રહ્યા છે.
મુન્ના વે બ્રીજ એટલે જુના જકાત નાકા થી છેક મક્કી મસ્જીદ થઈને એમઈટી સ્કુલ તરફ જવાનો માર્ગ મુખ્ય છે. દર વખતે બનાવવામાં આવતાં રસ્તાઓમાં તકલાદી સામગ્રી ઉપયોગમાં લેવામાં આવતાં ગણતરીના સમયમાં રસ્તાઓની હાલત તૂટફુટ થઈને જૈસે થે થઈ જતાં રસ્તાનો ખર્ચો એળે જાય છે. હાલમાં, છેલ્લા કેટલાક સમય થી આ બિસ્માર બનેલા રસ્તો લોકોનો માથાનો દુ:ખાવો બનેલો છે. અહીં પસાર થતાં લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ, કરીને ચોમાસામાં આ રસ્તા ઉપર વરસાદી પાણીની રેલમછેલ સાથે મીની તળાવો રચાયેલા રહેવાના કારણે અન્યત્ર આંતરિક સોસાયટીમાં જવા માટે ફરજીયાત કાદવ-કીચડ માંથી પસાર થવું પડે છે. ચુંટણી પૂર્વે આ રોડ પાકો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પરંતુ પાલિકા દ્વારા માત્ર વચનો આપ્યા બાદ તેનું પાલન નહીં કરાયું હોવાનું લોકોનું કહેવું છે.
મક્કી મસ્જીદની આસપાસના વિસ્તારોમંા આશરે હજાર જેટલા મકાનો આવેલા છે. અહીં કેટલાક વિસ્તારોમાં નગર પાલિકાની નર્મદા આધારીત પાણીની પાઈપ લાઈન પસાર કરવામાં આવી છે. અન્ય વિસ્તારોની માફક પણ લાઈનનુંલેવલ જાળવવામાં નહીં આવતાં ઊંચા-નીચી હાલતમાં જોવા મળે છે. એટલું જ નહીં પાસેથી જ ભૂર્ગભ ગટર લાઈન નાખવામાં આવી છે. આ ગટર લાઈનનું દુષિત પાણી આ પીવાની લાઈનમાં લીકેઝ થાય છે.આ દુષિત અને દુર્ગંધ યુકત પાણીની સમસ્યા થી પીવા માટે ઉપયોગ નહીં થતાં તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના રહિશો દ્વારા પાણી વેરો ચુકવવામાં આવવાં છતાં પીવાનું પાણી ઉપલબ્ધ થતું નથી. અગાઉ મક્કી મસ્જીદના કુવા માંથી કેટલાક આસપાસના રહિશોને પીવાનું પાણી સેવાભાવિ આગેવાન દ્વારા પહોંચાડવામાં આવે છે. પરંતુ પાલિકાનું પાણી મળતું નથી.
એમઈટી સ્કૂલ તરફ જતાં રસ્તા નીચેથી ભૂર્ગભ પીવાના પાણીની પાઈપ લાઈન પસાર થાય છે. અગાઉ ભારવાહક વાહનોની અવરજવરના કારણે મક્કી મસ્જીદ પાસે લાઈનમાં ભંગાણ સર્જાઈને પાણીના ખાબોચીયા ભરાઈ રહેવાની સાથે કાદવ-કીચડનો નિર્માણ થતાં રસ્તાના વળાંક પાસે વાહનો પૈડા ખૂંપી જતા હતા. તેથી હેરાનપરેશાન થયેલા વાહન માલિકો એ જાતે જ આ ખાડાને ખોદીને લીકેઝ બંધ કરવાનું કામગીરી હાથ ધરી હોવાનું લોકો જણાવી રહ્યા છે. આ લીકેઝ બંધ કરવાની જવાબદારી પાલિકાની છે અને તેની મરામત પણ પાલિકા એ કરવાની હોય છે. તેમ છતાં ચંુંટણી ટાણે જ ફરજ ચૂકી ગયા હતા.
વચલા ઓડા, ઝકરીયા મસ્જીદ, સાતપુલ વિસ્તારમાં આવેલી ભૂર્ગભ ગટર યોજના લોકોના મત પ્રમાણે સફળ નિવડી નથી.આ વિસ્તારમાં પસાર કરવામાં આવેલી લાઈનને વેઠ ઉતારું કરવામાં આવીને દાટી દેવામાં આવી છે. આ લાઈન બન્યા પછી આજદિન સુધી રહેણાંકના ગંદા પાણીના નિકાલ માટે જોડાણ આપવામાં આવ્યું નથી. તો કેટલીક જગ્યાએ બનાવવામંા આવેલ લાઈનનું લેવલ જાળવવામાં આવ્યું નથી. જેના કારણે આ દુષિત પાણી તેના નિકાલ માર્ગે આગળ ધપી શકતું નથી. અને વિવિધ વિસ્તારોમાં પાણી ચોકઅપ થવાની સાથે ઉભરાતા લોકો મુશ્કેલી અનુભવે છે.
વોર્ડ નં.૮ના ઉમેદવારો….
- મોહંમદ હનીફ એહમદ સઈદ કલંદર (ભાણા) – AIMIM
- હફસા અલ્તાફ ચીતામન (ડબલેલ) – AIMIM
- અનવર હુસેન હિમદ સુજેલા -અપક્ષ
- અલ્તાફ શબ્બીર હયાત (ભુરીયા) -અપક્ષ
- આસિફ યાકુબ બકકર -અપક્ષ
- ઈલ્યાશ ઈબ્રાહિમ બદામ -અપક્ષ
- ફરીદા એ. હુસેન પોલા -અપક્ષ
- ફેસલ એહમદ હયાત -અપક્ષ
- મહેબુબ અ.સત્તાર સમોલ -અપક્ષ
- મુમતાઝ યાકુબ મીઠાભાઈ -અપક્ષ
- શાબેરા હાજી અબ્બાસ ગરીબા (ખરાદીની નાની) -અપક્ષ
- હાજરાબેન ઈલ્યાસ બદામ -અપક્ષ
વોર્ડ નં.૮ના મતદારોની સંખ્યા….
પુરૂષ : ૫૪૧૧, સ્ત્રી :- ૫૩૩૧, કુલ :- ૧૦૭૪૨