સિડની, વિશ્ર્વમાં દરરોજ સેંકડો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. માર્ગો પર કાર સહિત અન્ય વાહનોની દિનપ્રતિદિન વધતી સંખ્યા સાથે અકસ્માતો પણ વધી રહ્યા છે. એવો અંદાજ છે કે વિશ્ર્વભરમાં દરરોજ ૧૩.૫૦ લાખ માર્ગ અકસ્માતો થાય છે અને મોટા ભાગે તેમાં આશરે ૩,૭૦૦ લોકો રોજ જીવ ગુમાવે છે. આવામાં સૌથી સુરક્ષિત રસ્તા અને ડ્રાઇવરો કયા દેશમાં છે? તેના પર ઓસ્ટ્રેલિયન કંપની કમ્પેયર માર્કેટ ઓસ્ટ્રેલિયાએ વિશ્ર્વભરમાં ડ્રાઈવર ડેટા અને કાર અકસ્માતોના ડેટાના આધારે અભ્યાસ કર્યો. જે મુજબ, જાપાનના ડ્રાઇવરો સૌથી સુરક્ષિત છે. ત્યારબાદ બ્રિટન, નેધરલેન્ડ, જર્મની, કેનેડા અને સ્પેન આવે છે. ૨૦ દેશના અભ્યાસમાં સૌથી સુરક્ષિત ડ્રાઈવરોમાં ભારત ૧૭મા ક્રમે છે. એટલે કે ભારતની નીચે માત્ર ૩ અન્ય દેશ છે. જાપાનમાં મહિલા અને પુરુષ ડ્રાઈવરો વચ્ચે સૌથી ઓછો તફાવત બતાવે છે.
અહીં ડ્રાઇવરો માત્ર ૨.૭ જીવલેણ અકસ્માતો માટે જવાબદાર છે. યુકેમાં ૧ લાખ લોકો દીઠ માત્ર ૬.૪ જીવલેણ અકસ્માતો થાય છે અને તેમાં મૃત્યુદર સૌથી ઓછો છે. જ્યારે દક્ષિણ આફ્રિકામાં દર એક લાખ લોકોમાં ૩૪.૯ (પુરુષ) અને ૯.૯ (મહિલા)નાં મૃત્યુ થાય છે. જ્યારે પુરુષ અને મહિલા ડ્રાઇવરો વચ્ચેના લિંગ તફાવતની વાત આવે છે ત્યારે દક્ષિણ આફ્રિકા સૌથી પહોળા માજન સાથે પ્રથમ ક્રમે છે, જેમાં પુરુષ ડ્રાઇવરો મહિલાઓના પ્રમાણમાં વધુ અકસ્માતો કરે છે.
જ્યારે ડ્રાઇવિંગ સંબંધિત શરતોની વાત આવે છે ત્યારે જાપાનમાં સોશિયલ નેટવર્ક પર સૌથી વધુ સકારાત્મક સેન્ટિમેન્ટ છે, જે ૩૩.૪% છે. રસ્તાની ગુણવત્તાના મામલે જાપાન વિશ્ર્વમાં ચોથા ક્રમે છે. જેનો અર્થ છે કે તે માત્ર વાહન ચલાવવા માટે જ નહીં પરંતુ રાહદારીઓ માટે પણ સલામત દેશ છે. યાદી દર્શાવે છે કે ૧૦ સૌથી સુરક્ષિત દેશો યુરોપના છે. કમ્પેર માર્કેટ્સ ઓસ્ટ્રેલિયાના જનરલ મેનેજર એડ્રિયન ટેલરે જણાવ્યું કે ડ્રાઇવિંગની ક્ષમતા મહિલા-પુરુષથી નહીં, પરંતુ વ્યક્તિગત યોગ્યતા અને અનુભવ પર આધારિત છે.