મહીસાગર, આગામી તા.21મી જુન 2023 નારોજ નવમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીના ઉપક્રમે મહીસાગર જીલ્લામાં યોજાનાર જીલ્લાકક્ષા/તાલુકાકક્ષા/ગ્રામ્યકક્ષા તથા વિવિધ શાળા, કોલેજ ખાતેની ઉજવણીમાં મહત્તમ લોકો ભાગીદાર થાય તે માટે પ્રિન્ટ મિડિયા તથા ડિજીટલ મિડિયા થકી મહત્તમ પ્રચાર-પ્રસાર થાય તે માટે જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જીલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદ યોજાઇ હતી.
આ વેળા કલેક્ટરએ જણાવ્યું હતું કે, 21 મી જુન, નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિશ્ર્વ સમસ્તની જેમ સમગ્ર ગુજરાતમાં કરવાનું આયોજન હોવાથી, જીલ્લામાં પણ 21મી જૂન, 2023ના રોજ યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી ભાગરૂપે જીલ્લાના દરેક તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ, શાળા-કોલેજોમાં તથા જીલ્લા વિવિધ વિભાગો દ્વારા થતા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોમાં યોગ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમોનું મોટા પ્રમાણમાં આયોજન કરાયું છે. ઉપસ્થિત જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે પત્રકારમિત્રોને જણાવ્યું હતું કે ભારતમાંથી જન્મેલ આ યોગ ક્ષેત્રે જો વિશ્ર્વ કાર્ય કરી રહ્યું હોય તો આપણે તો ભારતવાસી તરીકે આમાં જોડાઈ તમામ લોકો સુધી તેના લાભો અને જરૂરિયાતો પહોંચે તેવા પ્રયાસો કરવા જોઈએ.
સહાયક માહિતી નિયામક શૈલેષકુમાર બલદાણીયાએ પત્રકાર મિત્રોને લોકો તા.21 મી જુન 2023ના કાર્યક્રમમાં સ્વયંભૂ સહભાગી થાયઅને મોટા પાયે નવમાં વિશ્ર્વ યોગ દિનનો પ્રચાર પ્રસાર થાય તથા યોગ અંગે લોક જાગૃતિ ફેલાય તે માટે પત્રકારત્વના વિવિધ માધ્યમો વડે જાગૃતિ લેખો, વિશેષ વ્યકિતના ઇન્ટરવ્યુ, યોગ ક્ષેત્રે જાણીતા લોકો તથા સંસ્થાને સમાચારોમાં સ્થાન આપવું વગેરે બાબતો અંગે કામ કરવા અપીલ કરી હતી તથા સિનિયર કોચ દક્ષેશ કહાર દ્વારા આગામી યોગ દિન નિમિત્તે એસપી ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે થનાર ઉજવણીનું પીપીટી પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.