હાલોલમાં વડોદરા-ગોધરા તરફ નવા બનાવાયેલા રોડના સેમ્પલ લેવાની કામગીરી કરાઈ

હાલોલ,હાલોલ નગરના વડોદરા-ગોધરા તરફ બનાવવામાં આવેલા નવા ડામર રોડની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી કરી દેવામાં આવતા માર્ગ અને મકાન વિભાગ તથા ક્વોલિટી કંટ્રોલ વિભાગ દ્વારા આજે રોડના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવજીવન હોટલથી હાલોલ અને હાલોલથી વડોદરા તરફના માર્ગ ઉપર અલગ અલગ જગ્યાએથી રોડના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા રોડની કામગીરી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. હાલોલ નગરજનો ઉબડખાબડ રસ્તાના ત્રાસમાંથી મુક્તિ અપાવવા શહેરના ગોધરા અને વડોદરા તરફના માર્ગોને નવા બનાવવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઇજારદારે બે મહિના કામ અધૂરૂં મૂકી દેતા ખોરંભે ચડેલું આ રોડનું કામ ફરી શરૂ થતાં નગરજનોએ ચોમાસા પહેલા આ રોડની કામગીરી પૂર્ણ થઇ જશે તેની રાહત અનુભવી હતી. ઇજારદાર દ્વારા આ માર્ગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવતા આજે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે રાખી ક્વોલિટી કંટ્રોલ વિભાગના અધિકારીઓએ હાલોલથી વડોદરા તરફના અને હાલોલથી ગોધરા તરફના માર્ગો ઉપરથી અલગ અલગ જગ્યાઓ પરથી રોડ ઉપરથી બોક્સ કટીંગ કરીને રોડની કામગીરી અને ગુણવત્તા અંગે ચકાસણી હાથ ધરી હતી. કંજરી ચોકડી પાસે બપોરે માર્ગ અને મકાન વિભાગ તથા ક્વોલિટી કંટ્રોલના અધિકારીઓ દ્વારા સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવતા એક તરફનો માર્ગ સરકારી વાહનો મૂકી બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે એક તરફના ટ્રેક ઉપર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. જોકે, હાલોલ ટાઉન પીઆઇ ચૌધરી કેટલાક પોલીસ કર્મચારીઓ સાથે હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલોલ શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો સાથે સોસાયટીઓના માર્ગો પણ ભૂગર્ભ ગટર યોજનાની કરવામાં આવેલી કામગીરીને કારણે ખોદી નાખવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને કારણે ખોદી નાખવામાં આવેલા રોડને કારણે લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. ત્રણ વર્ષ ઉબડખાબડ રસ્તાઓનો ત્રાસ સહન કર્યા પછી ગોધરા અને વડોદરા તરફના રોડ નવા બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે પાવાગઢ તરફનો માર્ગ પર નવો બનાવવામાં આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.