દાહોદ જિલ્લામાં મતદાનના દિવસે પોલીસની ૧૬૦ ક્વિક રિસપોન્સ ટીમ સતત પેટ્રોલિંગ કરશે

દાહોદ,
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની આગામી તા. ૨૮ની ચૂંટણીમાં નાગરિકો ભય વિના મતદાન કરી શકે એ માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ચૌબંધ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર અનામત પોલીસ દળના જવાનોની વ્યવસ્થા સાથે ક્યુઆરટી અને સ્ટ્રાઇકિંગ ફોર્સની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે.
ઉક્ત બાબતે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે કહ્યું કે, દાહોદ જિલ્લાની નગરપાલિકાઓ ઉપરાંત જિલ્લા, તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કેન્દ્રો ઉપર સ્થાનિક પોલીસ, ગ્રામ્ય રક્ષક દળના જવાનોને તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો ઉપર એસઆરપીના હથિયારધારી જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

દાહોદ જિલ્લામાં ૧૬૦ ક્યુઆરટી ટીમ બનાવવામાં આવી છે. મતદાનના દિવસે આ ટીમો તેમના માટે નિયત કરવામાં આવેલા રૂટ ઉપર સતત પેટ્રોલિંગ કરતી રહેશે અને કોઇ રજૂઆત કે ફરિયાદ મળે તો તુરંત કાર્યવાહી કરશે. તદ્દઉપરાંત ૧૦ સિનિયર પોલીસ અધિકારીઓની સ્ટ્રાઇકિંગ ફોર્સ પણ સતત કાર્યરત રહેશે.

દાહોદમાં ડીવાયએસપી એચ. જે. બેંકર, લીમખેડામાં ડો. કાનન દેસાઇ અને ઝાલોદમાં ભાવેશ જાદવ દ્વારા રૂટ માર્ચ કરવામાં આવી છે. એસઆરપી દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી છે. પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન એક્સરસાઇઝ કરવામાં આવી છે.

લીમખેડા ડિવીઝનમાં ડીવાયએસપી ડો.દેસાઇએ આ વખતે તમામ ઉમેદવારો સાથે બેઠક કરી કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને રાખી આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુરૂપ પ્રચાર કાર્ય કરવા સમજૂત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, ભૂતકાળમાં ચૂંટણીને લગતા ગુના બન્યા હોય તેવા સ્થળોની પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં આવા ગુનામાં આરોપી હોય એવા વ્યક્તિને પણ સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે.