નદીસર, ગોધરા તાલુકાના નદીસર સહિત આસપાસના ગામોની જનતા વીજળી, રોડ અને બસના પ્રશ્ર્ને વારંવાર રજુઆત કરીને જનતા હવે આ પ્રશ્ર્નોથી ત્રાહિમામ પોકારી ઉઠી છે.
ગોધરા તાલુકાના નદીસર ગામે જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ પુરવઠો ટીંબા સબ સ્ટેશન થી આવે ત્યારે સદર વીજ લાઈન પર વારંવાર સહેજ પણ પવન આવે કે વરસાદ પડે એટલે લાઈન ફોલ્ટ થાય છે. જેના કારણે કલાકો સુધી વીજ પુરવઠા વગર નાગરિકો હેરાન પરેશાન થાય છે. જ્યોતિગ્રામ વીજ લાઈનમાં ઇલેવન કે.વી. ફીડર સહિત તમામ એલ.ટી. લાઈનો પર સંખ્યા બંધ જગ્યા એ તાર ખેંચીને સરખા કરવા પડે તેમ છે. આ ઉપરાંત સર્વે કરી અન્ય જરૂરી સમારકામની પણ જરૂર છે. એક તરફ અસહ્ય ગરમી અને ઉપર થી વારંવારના વીજ ફોલ્ટના કારણે નાગરિકો ખૂબ પરેશાન થાય છે. આ ઉપરાંત સતત વ્યસ્ત રહેતો કાંકણપુર વીજ ઓફિસનો ફરિયાદ કેન્દ્રનો ફોન શોભાના ગાંઠિયા સમાન છે.
જયારે આ તરફના માર્ગોની વાત આવે ત્યારે શહેરા તાલુકાના ઊંજડા થી નદીસર થઈ કાબરીયા સુધીનો માર્ગ, કબીરપૂર ચોકડી થી રતનપુર થઈ વિજોરા સુધીનો માર્ગ ધરી ચોકડી થી જૂનીધરી સુધીનો માર્ગ વારંવારની નવીનીકરણની માંગણી બાદ પણ કામ થતું નથી. એક તો ભંગાર માર્ગ ઉપર થી રોડની બન્ને તરફ થી છેક રોડ સુધી આવી ગયેલા ઝાડી ઝાંખરાના કારણે વાહન ચાલકો માટે માર્ગ ભયાવહ બન્યો છે. એક તરફ ગામના આંતરિક રસ્તા પણ ભંગાર અને ઉજળા થી કાબરિયા સુધીનો માર્ગ પર તો જો ગાડી કે બાઈક સહેજ વધુ ગતી થી જાય તો બેલેન્સ પણ ગુમાવી દે તેવી હાલત છે. જ્યારે આ સમગ્ર વિસ્તારમાં શોભાના ગાંઠિયા માફક દોડતી મોટા ભાગની બસો મુસાફરો માટે કોઈજ મતલબ વગરની છે. આ તરફ થી રોજ સો જેટલા વિદ્યાર્થીઓ બાલાસિનોર સેવાલિયા અપડાઉન કરે છેલ્લા સાત સાત વર્ષ થી નદીસર થી સવારે નવ વાગે ઉપડે અને બાલાસિનોર થી બપોરે અઢી વાગે ઉપડે એ રીતે બન્ને સમય માટે બસની તાતી જરૂરિયાત છે. બસ સુવિધા વગર વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં ઘેટાં બકરાંની માફક ના છૂટકે જીવના જોખમે મુસાફરી કરવી પડે છે, છતાં મોટી મોટી વાતોના વડા વચ્ચે આવી સામાન્ય સુવિધા વગર વિદ્યાર્થીઓને વંચિત રહેવું પડે છે, તેમજ અગાઉ સવારે સાડા નવ અને સાંજે સાડા ત્રણ વાગે જે ગોધરાની બસો અગાઉ ચાલતી હતી, તે પણ બંધ કરી દેવામાં આવી છે તે પણ ચાલુ કરવી જરૂરી છે. ત્યારે ઉપરોક્ત બાબતો એ લાગતા વળગતા વિભાગ દ્વારા સદર બાબતો એ થીંગડા મારવા કરતા જનહિતને ધ્યાને લઇ નક્કર આયોજન કરવું હવે જરૂરી બન્યું છે.