કુસ્તીબાજો બાદ હવે દિલ્હી પોલીસે પાંચ દેશો પાસેથી માંગ્યા ’પુરાવા’

નવીદિલ્હી, બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામેના જાતીય સતામણીના આરોપોની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે પાંચ દેશોના રેસલિંગ ફેડરેશનને નોટિસ પાઠવી છે. આ નોટિસ દ્વારા દિલ્હી પોલીસે કુસ્તી સંગઠનો પાસેથી સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતી માંગી છે. દિલ્હી પોલીસ આ સીસીટીવી ફૂટેજ અને માહિતીનો ઉપયોગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસમાં કરશે.

અહેવાલ મુજબ, કુસ્તીબાજોએ ૨૧ એપ્રિલના રોજ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ જાતીય સતામણી એફઆઈઆરમાં આરોપ લગાવ્યો હતો કે તેમને ઈન્ડોનેશિયા, બલ્ગેરિયા, કિગસ્તાન, મંગોલિયા અને કઝાકિસ્તાનમાં હેરાન કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર, આ નોટિસ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR નોંધાયાના એક સપ્તાહની અંદર મોકલવામાં આવી હતી. જોકે, આ વાત હમણાં જ સામે આવી છે. દિલ્હી પોલીસના એક અધિકારીએ કહ્યું કે એફઆઈઆર નોંધ્યા ના એક સપ્તાહની અંદર અમે કુસ્તી સંગઠનોને નોટિસ મોકલી હતી અને તેમાંથી કેટલાકે જવાબ પણ આપ્યો છે.

પાંચ દેશોના રેસલિંગ ફેડરેશનને નોટિસ મોકલીને સીસીટીવી ફૂટેજ માંગવાનો મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે દિલ્હી પોલીસ ૧૫ જૂને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. યૌન ઉત્પીડનના આ મામલામાં અત્યાર સુધી દિલ્હી પોલીસે ૨૦૦થી વધુ લોકોની પૂછપરછ કરી છે. આ લોકોમાં રેસલર, કોચ અને રેફરીનો સમાવેશ થાય છે. આ સાથે પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે જોડાયેલા લોકોના નિવેદન પણ નોંધ્યા છે.

તાજેતરમાં, દિલ્હી પોલીસ દ્વારા કુસ્તીબાજો પાસેથી જાતીય સતામણીનો પુરાવો માંગવા પર રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું હતું. એવા સમાચાર હતા કે દિલ્હી પોલીસે બે મહિલા કુસ્તીબાજો પાસે ભાજપના સાંસદ દ્વારા જાતીય સતામણીનો પુરાવો માંગ્યો હતો. ૧૧ જૂનના રોજ, ૬માંથી ૪ મહિલા કુસ્તીબાજોએ આરોપો સંબંધિત પુરાવા તરીકે પોલીસને ઓડિયો અને વિડિયો સોંપ્યા હતા.