ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ આરોપ લગાવ્યા: ભારત સરકાર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી.

  • કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ઘણા ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવાની સૂચના

નવીદિલ્હી : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સીએ મોટો આરોપ લગાવ્યો છે. જણાવી દઈએ કે જેક ડોર્સીનું કહેવું છે કે ભારતમાં કૃષિ કાયદાઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવાની સૂચના આપી હતી. ડોર્સીએ દાવો કર્યો હતો કે ભારત સરકાર દ્વારા તેના પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેણે ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપી હતી. જો કે સરકારે જેક ડોર્સીના આરોપોને ખોટા ગણાવ્યા છે.

ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ એક વીડિયો ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે તેમની કંપનીને ભારતમાંથી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં તેને ખેડૂત આંદોલનને આવરી લેતા એકાઉન્ટને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે તે એકાઉન્ટ પણ બંધ કરવાની વિનંતી કરવામાં આવી હતી, જેઓ આંદોલન માટે સરકારનો વિરોધ કરી રહ્યા હતા. વાસ્તવમાં, યુટ્યુબ ચેનલ બ્રેકિંગ પોઈન્ટ્સ સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન જેક ડોર્સીએ આ વિશે જણાવ્યું હતું. હાલ તેને ટ્વિટર પર આ વીડિયો ક્લિપ ટ્વીટ કરી છે.

ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે જેક ડોર્સીને પૂછવામાં આવ્યું કે શું તમને પાછલા વર્ષોમાં વિદેશી સરકારોના દબાણનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે તેના જવાબમાં જેક ડોર્સીએ કહ્યું છે કે ભારતને ઉદાહરણ તરીકે લઈએ, જ્યાંથી અમને આવી ઘણી વિનંતીઓ મળી હતી, જેમાં ખેડૂતોના વિરોધને લઈને રિક્વેસ્ટ કરવામાં આવી હતી. ખાસ કરીને જે પત્રકારો સરકારની ટીકા કરી રહ્યા હતા તેમના એકાઉન્ટ્સનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તેમને એવું લાગી રહ્યું છે કે જો ટ્વિટર આવું નહીં કરે તો ભારતમાં ટ્વિટર બંધ થઈ જશે અને ભારતમાં સ્થિત ટ્વિટર કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવશે.

બહારની લઈને આગળ ડોર્સીએ કહ્યું કે ’સરકાર દ્વારા તેમના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની વાત થઈ હતી. તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરવાની ચીમકી આપી હતી અને આ બધું ભારત જેવા લોક્તાંત્રિક દેશમાં થયું છે.’ એ જ રીતે ડોર્સીએ પણ તુર્કીનું ઉદાહરણ આપ્યું અને કહ્યું કે ત્યાં પણ સરકાર તરફથી તેમના દેશમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી. ડોર્સીએ કહ્યું કે તેમની કંપનીએ તુર્કીમાં સરકાર સામે અનેક મુકદ્દમા લડ્યા અને જીત્યા પણ છે.

જેક ડોર્સીના આરોપો પર કેન્દ્ર સરકારનું નિવેદન પણ આવ્યું છે છે. જણાવી દઈએ કે કેન્દ્રીય આઇટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લખ્યું કે, ’આ ટ્વિટરના ઈતિહાસના કાળા તબક્કાને સાફ કરવાનો પ્રયાસ છે, જ્યારે ટ્વિટર ડોર્સીના કાર્યકાળ દરમિયાન ભારતીય કાયદાનું સતત ઉલ્લંઘન કરી રહ્યું હતું. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી, ટ્વિટરે ભારતીય કાયદાઓ અનુસાર કામ કર્યું ન હતું અને જૂન ૨૦૨૨ થી ભારતીય કાયદાઓનું પાલન કરવાનું શરૂ કર્યું હતું.’