પટણા, બિહારના મહાગઠબંધનમાં ફરી એકવાર મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. હિન્દુસ્તાની આવામ મોરચાપાર્ટીના વડા જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમને નીતિશ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે.
લોક્સભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને એકજૂટ કરવામાં વ્યસ્ત બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મોટો ઝટકો લાગ્યો છે. તેમની સરકારમાં મંત્રી અને જીતન રામ માંઝીના પુત્ર સંતોષ સુમન માંઝીએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. સંતોષ સુમન લઘુમતી કલ્યાણ વિભાગ સંભાળતા હતા. તેમના રાજીનામાથી રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પટનામાં થોડા દિવસો પછી યોજાનારી વિપક્ષની બેઠક પહેલા નીતીશ કુમાર માટે આ મોટો ફટકો છે.
કહેવામાં આવી રહ્યું છે કે જીતન રામ માંઝી હાલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારથી નારાજ છે. આ નારાજગીનું કારણ એ છે કે નીતિશે ૨૩ જૂને પટનામાં વિપક્ષી દળોની મોટી બેઠક બોલાવી છે, પરંતુ મહાગઠબંધનમાં તેમના સાથી જીતન રામ માંઝીને આમંત્રણ મોકલ્યું નથી.