
પંચમહાલ જિલ્લા પંચાયતમાં અષાઢી બીજના શુભ અવસરે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનો પૈકી ચાર ચેરમેનોએ આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો હતો.
આ પદભાર ગ્રહણ સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, સમર્થકો અને વિવિધ સંગઠનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવનિયુક્ત ચેરમેનોને પુષ્પગુચ્છ આપી અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જિલ્લા પંચાયતની તમામ આઠ સમિતિઓના ચેરમેનોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આજે જે ચાર ચેરમેનોએ પદભાર સંભાળ્યો તેમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજેશકુમાર નારણભાઈ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન કુસુમબેન અશ્વિનભાઈ સોલંકી, બાંધકામ સમિતિના ચેરમેન પંકજભાઈ રૂમાલભાઈ પરમાર અને આરોગ્ય સમિતિના ચેરમેન લલિતાબેન તખતસિંહ પટેલનો સમાવેશ થાય છે.
આ ચેરમેનોએ પોતાની ઓફિસમાં બેસીને ચાર્જ સંભાળ્યો હતો અને જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
પંચમહાલ જિલ્લા પંચાયતની તમામ આઠ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનો
૧. અપીલ સમિતિના ચેરમેન: નીરજભાઈ નિકુંજકુમાર પટેલ
૨. કારોબારી સમિતિના ચેરમેન: મગનભાઈ વિરમભાઈ પટેલિયા
૩. બાંધકામ સમિતિના ચેરમેન: પંકજભાઈ રૂમાલભાઈ પરમાર
૪. આરોગ્ય સમિતિના ચેરમેન: લલિતાબેન તખતસિંહ પટેલ
૫. મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન: કવિતાબેન શંકરભાઈ બારીઆ
૬. સિંચાઈ સમિતિના ચેરમેન: ભારતસિંહ દામાભાઈ બારીઆ
૭. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન: રાજેશકુમાર નારણભાઈ પરમાર
૮. શિક્ષણ સમિતિના ચેરમેન: કુસુમબેન અશ્વિનભાઈ સોલંકી
આ તમામ નવનિયુક્ત ચેરમેનો આગામી સમયમાં પંચમહાલ જિલ્લાના પ્રજાલક્ષી કાર્યો અને ગ્રામીણ વિકાસના રોડમેપને આગળ ધપાવશે.