મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અને મતદાન મથકોના પુનર્ગઠન અંગે રાજકીય પક્ષો સાથે અગત્યની બેઠક યોજાઈ

આજ રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક મુખ્ય નિર્વાચન અધિકારીની સૂચના મુજબ, તા. ૦૧/૦૧/૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તથા મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી અંગે ચર્ચા કરવા માટે યોજવામાં આવી હતી.

ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોના મતદાન મથક ખાતે મતદારોની મહત્તમ સંખ્યા ૧૨૦૦ નિર્ધારિત કરવામાં આવી છે. આ વર્ષે મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં મતદારોની સંખ્યામાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને મતદાન મથકોની સંખ્યામાં અને સ્થળોમાં હયાત મતદાન મથકો ખાતે મોટા પાયે ફેરફાર અને ઘટાડો (પુનર્ગઠન) કરવામાં આવનાર છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાન મથકોની પ્રાથમિક સુધારા દરખાસ્ત સંદર્ભમાં માન્ય રાજકીય પક્ષોના સ્થાનિક આગેવાનો અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરી તેમની પાસેથી સલાહ-સૂચનો મેળવવાના હોય છે. જેના અનુસંધાને મહીસાગર જિલ્લામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પબ્લિક ડોમેઇન પરથી જાહેર જનતા તરફથી મળેલા સૂચનો પરત્વે પણ પારદર્શક રીતે ચર્ચા-વિચારણા કરી તેનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષો અને આગેવાનો તરફથી મળેલા નવા સૂચિત સ્થળોની તા. ૧૭ અને ૧૮ જુલાઈના રોજ જાત-ચકાસણી કરાવીને ત્યારબાદ, મહીસાગર જિલ્લાની મતદાન મથકોની સુધારા-વધારા-સ્થળાંતરની આ તમામ દરખાસ્તોની પ્રાથમિક ચકાસણી રાજ્ય કક્ષાએ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે તા. ૩૦/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે હાથ ધરવામાં આવશે.