
ઝાલોદ, ઝાલોદ નગરના લુહારવાડા વિસ્તારથી સોમનાથ મહાદેવ મંદિર જતાં મહાલક્ષ્મી મંદિરની સામેની ગટર છેલ્લા કેટલાય સમયથી સાફ સફાઈ થઈ નથી. તેથી ત્યાં વસતા લોકોમાં તંત્ર ઉપર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સાંભળ્યા મળ્યા મુજબ અહીં વસનાર લોકોએ લાગતા વળગતા નગરપાલિકા કર્મચારીઓને મૌખિક કેટલીય વાર કીધું છે, છતાય અહીંયાં સાફ સફાઈ થતી નથી તેમજ અહીં રહેનાર લોકોએ ગટરની ગંદકીને લઈ ઓનલાઇન ફરિયાદ પણ કરેલ છે, છતાય તંત્ર મૂક અવસ્થામાં જોવા મળી રહ્યું છે.
મહાલક્ષ્મી મંદિરની સામેના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તામાં જતા આવતા બે ખુલ્લાં મોટા ઢાંકણ વગરની ખુલ્લી ગટર જોવા મળી રહેલ છે તે ઉપર પણ પાલિકા તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. છેલ્લા ઘણા સમયથી અહીંયાં પાકો મજબૂત રોડ બનશે. ત્યારે બધું સારૂં થઈ જશે ના વાયદાઓ કરવામાં આવેલ છે, પરંતુ અહીં રહેનાર લોકોને નવિન રસ્તો પણ નથી મળી રહ્યો.
અહીંના વિસ્તારમાં આવેલ ગટર લાઈનમાં ગટરો ભરાઈ રહેલી હોવાથી સવાર સાંજ પાણી ભરાયેલ હોવાથી મચ્છરનો ત્રાસ પણ રહેલ છે તેમજ સવાર સાંજ પાણીનો વપરાશ વધુ રહેતા ગટર માંથી વાસ પણ આવતી હોય છે. હાલ પાલિકા તંત્ર દ્વારા ચાલતા વહીવટ થી લોકોને પ્રાથમિક સુવિધાઓ સમયસર નથી મળી રહી તે માટે પણ જાહેર જનતામાં આક્રોશ જોવા મળી રહેલો છે. તંત્ર દ્વારા ચાલતી પોલંપોલ કામગીરી થી જાહેર જનતામાં રોષ જોવાઈ રહેલ છે. અહીંયા ગટરની અંદર સાફ સફાઈના અભાવે નાના નાના ઝાડ પણ ઉગી જવાથી પારાવાર ગંદકી વધુ જોવા મળી રહેલ છે. અહીં વસનાર લોકો તંત્ર સફાળે જાગી ગટરની સાફ સફાઈ કરી રોડ પર આવેલ ગટર પર ઢાંકણ બેસાડે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. રસ્તાની આજુ બાજુ જ ખુલ્લી ઢાંકણ વગરની ગટર હોવાથી ઘણી વાર નાના મોટા વાહન પણ ગટરમાં ઉતરી જવાના કેટલાય બનાવો બની ગયેલ છે. પાલિકા તંત્ર તાત્કાલિક ગટરની ગંદકી સાફ કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.