પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં બાળમજુરી કરાવતા લોકોને ત્યાં ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા રેડ કરાઇ

  • સાત તરૂણ શ્રમિક મળતા સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ.

ગોધરા, પંચમહાલ જીલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જીલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.12-06-2023ના રોજ ગોધરા અને કાલોલ ખાતે ટાસ્કફોર્સ રેડ કરવામાં આવી હતી. ઉક્ત રેડ દરમ્યાન 07 તરૂણ શ્રમિક મળતા સંસ્થા સામે કાર્યવાહી શરૂ કરાઇ હતી. કાલોલ ખાતે રેડ કરતાં સંસ્થા હોટેલ સહયોગ મુ. ચિમનાપુરા, હાલોલ ગોધરા હાઇ-વે તા. કાલોલ જી. પંચમહાલ ખાતે 7 તરૂણ શ્રમિક પાસે કામ કરાવવામાં આવતું હતું. જેની ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પુછપરછ દરમ્યાન તરૂણ શ્રમિક હોવાનું જણાઈ આવેલ હોઇ તરૂણ શ્રમિકોને કામે રાખનાર સંસ્થા અને તરૂણ શ્રમિકનું નિવેદનો લઈને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ સમગ્ર કામગીરીમાં પંચમહાલ જીલ્લાના સરકારી શ્રમ અધિકારી જે.જી.ગઢવી, એસ.ડી.યાદવ, આસીસ્ટન્ટ ડાયરેકટર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ગોધરા, એ.આર.વાળંદ, જીલ્લા બાળ સુરક્ષા એકમ ગોધરા, પુષ્પેન્દ્ર કુમાર તથા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ જોડાયા હતા. સંસ્થા હોટેલ સહયોગ મુ. ચિમનાપુરા, હાલોલ ગોધરા હાઇ-વે તા. કાલોલ જી. પંચમહાલના માલિક વિરૂધ્ધ નિયમોનુસાર બાળ અને તરૂણ શ્રમ ( પ્રતિબંધ અને નિયમન ) અધિનિયમ – 1986 હેઠળ ફોજદારી કેસો કાર્યવાહી કરવામાં આવનાર છે તેમ મદદનીશ શ્રમ આયુક્ત, ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.