શહેરા,
પંચમહાલ ના શહેરા મસમોટું પુરવઠા ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામી છે. મામલતદાર કચેરી પાછળ આવેલ પુરવઠાના ગોડાઉન મામલતદાર મેહુલ ભરવાડ એ એકા એક તપાસ હાથ ધરતા ઘઉંનો બંધ જથ્થો ગણી જોતા ૨૬૫૩૦ બોરીઓ હોવી જોઈએ જેની જગ્યાએ ૧૩૪૦૩ બોરી મળી આવી હતી આમ ૧૩૧૨૭ ઘઉંની બોરી ની ઘટ જોવા મળી હતી. ચોખાની ૧૨૯૮ બોરી ઘટ આવતા દોઢ કરોડથી વધુનું અનાજ કૌભાંડ હોવાથી પોલીસ ફરિયાદ મામલતદાર દ્વારા અનાજ ગોડાઉન મેનેજર સહિતના શખ્શો સામે નોંધવાની તજવીજ હાથધરી હતી.
શહેરા તાલુકામાં ૯૨ જેટલી પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનો આવેલી છે જેમાંથી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે રાહતના ભાવે ઘઉં, ચોખા, તેલ અને મોરસનું વિતરણ કરવામાં આવે છે ભૂતકાળમાં પણ શહેરાની સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો જરૂરિયાતમંદ લોકોને મળતો ન હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે અને કેટલીક દુકાનો દ્વારા તો ગરીબો માટેના અનાજનો જથ્થો બારોબાર વગે થયા હોવાના બનાવો પણ બન્યા છે. શહેરા મામલતદાર મેહુલ ભરવાડને આધારભૂત સૂત્રો થકી જાણકારી મળી હતી કે કચેરીની પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો બારોબાર વગે થઈ રહ્યો છે આથી આ બાબતની ઝીણવટભરી નજર રાખી અભ્યાસ હાથ ધર્યો હતો અને શુક્રવારના રોજ તેમની સાથે જિલ્લા મામલતદાર પૂરવઠા દેવળ નાયબ મામલતદાર પૂરવઠા શહેરા સતીષ ને સાથે રાખી બંને અનાજના ગોડાઉનમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ઘઉંનો બંધ જથ્થો ગણી જોતા ૨૬૫૩૦ બોરીઓ હોવી જોઈએ તેની જગ્યાએ ૧૩૪૦૩ બોરીઓ મળી આવી હતી આમ ૧૩૧૨૭ ઘઉંની બોરીઓ ની ઘટ જોવા મળી હતી તે જ રીતે ચોખાનો બંધ જથ્થો ગણી જોતા ૧૧૬૮૯ ની જગ્યાએ ૧૦૩૯૧ ચોખાની બોરીઓનો જથ્થો હાથ લાગ્યો હતો આમ તેમાં પણ ૧૨૯૮ બોરીઓની ઘટ આવી હતી. એક ઘઉંની બોરીમાં ૫૦ કી. ગ્રા.નો જથ્થો આવે છે તો ૧૩૧૨૭ ઘઉંની બોરીઓના કુલ ૬ લાખ,૫૬ હજાર ૩૫૦ કી. ગ્રા.થાય છે,એક કી. ગ્રા.ની કિંમત ૨૦ પિયા ગણીએ તો ૧ કરોડ ૩૧લાખ ૨૭ હજારનો મુદામાલ થવા જાય છે. તે જ રીતે ચોખા ની ૧૨૯૮ બોરીઓમાં ૬૪,૯૦૦ કી. ગ્રા. ચોખા છે જેમાં ૧ કી.ગ્રા. ચોખાના ૨૫ રૂપિયા ગણીએ તો ૧૬ લાખ ૨૨ હજાર ૫૦૦ નો મુદ્દામાલ થાય છે આમ કુલ ૧ કરોડ ૪૭ લાખ ૪૫ હજાર ૫૦૦ નો અનાજનો જથ્થો અનાજ માફિયાઓ દ્વારા બારોબાર વગે કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ શહેરા મામલતદાર દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા અનાજ માફીઓ તેમજ અન્ય જવાબદાર સરકારી નુમાઈનદાઓ વિરુદ્ધ પોલીસ મથકે પહોંચી પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી.
રિપોર્ટર : તુષાર દરજી